મે મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના!!

વેરવિખેર વિપક્ષ અને ‘આપ’ તૂટતા તેનો લાભ લઇ મોકે ઘા મારવા ભાજપ હાઇ કમાન્ડનો ગેમ પ્લાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

હાલ ભાજપનું ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ ઉપર છે, પરંતુ આ ચૂંટણીઓ પછી તુરંત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રહેશે. ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી કરાવવાનો કોઇ પ્લાન નથી, પરંતુ ભાજપની તૈયારીઓ જ તેનું ખંડન કરે છે. સરકાર અને સંગઠનમાં જોવા મળતી ચહલ પહલથી ચૂંટણી નજીક હોવાના સંકેતો મળી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પુરી થયા બાદ મે મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ભાજપ સરકાર, સંગઠન અને હાઇકમાન્ડ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે,જેમાં ફેબ્રુઆરીમાં વોટ ઓન એકાઉન્ટ સાથે વિધાનસભા સત્ર પૂરું કરી, માર્ચમાં વાઇબ્રન્ટ કરી દેવી, સાથે સાથે વેરવિખેર વિપક્ષને પણ મજબૂત બનવાની તક ના મળે તેવા રાજકીય ગણિત સાથે ભાજપ આગળ વધી રહ્યો છે.

19 જાન્યુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં તેમણે બુથ સમિતિ તેમજ પેજ સમિતિની સંરચના થકી મંડળને મજબૂત કરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પેજ સમિતિના કાર્યકર્તાઓને 25મી જાન્યુઆરીએ નમો એપના માધ્યમથી સંબોધન કરશે.

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા માટે ભાજપે સરકાર અને સંગઠને પુરજોશમાં તૈયારીઓ કરી હોવાનું પક્ષ ના જ સિનિયર નેતાએ જણાવ્યું હતું, જેમાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આગામી દિવસોમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવી શકે છે, એટલું જ નહીં વિધાનસભાનું બજેટ સત્ર પણ ટૂંકું કરી ને માત્ર વોટ ઓન એકાઉન્ટ રજૂ થઈ શકે છે. જેથી પ્રજા લક્ષી નીતિઓ અને કાયદાઓ પસાર કરવામાં આવશે, સાથે સાથે ચૂંટણીલક્ષી વોટ ઓન એકાઉન્ટ પસાર કરવામાં આવી શકે છે.

જુનિયર મંત્રઓની પટેલ સરકાર માટે વિધાનસભામાં ફૂલ બજેટ રજૂ કરી પસાર કરવામાં ઘણું મોટું જોખમ આવી શકે છે, કેમકે નવા મંત્રીઓ માટે વિપક્ષનો સામનો કરવો મુશ્કેલ બની શકે તેમ છે. સાથે સાથે સરકારની નિષ્ફળતાના વિવિધ મુદ્દાઓ સાથે વિપક્ષ સરકારને ભીંસમાં

લેવાની સાથે પ્રજામાં ભાજપ સરકાર પ્રત્યે અણગમો ઉભો કરે તો ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે તેમ છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે. તે સંજોગોમાં જુનિયર સરકારના કારણે ભાજપને કોઈ નુકશાનના ન જાય તે માટે પણ સાવચેતી સાથે આગળ વધી રહ્યો છે.

ગુજરાત બજેટની સાથે જ મોકૂફ રાખવામાં આવેલી વાઇબ્રન્ટ સમિટ યોજીને પ્રજાનું દિલ જીતવાનો પણ લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે. જેથી ફેબ્રુઆરીમાં બજેટનું વોટ ઓન એકાઉન્ટ પસાર કરી માર્ચમાં વાઇબ્રન્ટ પતાવીને ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવી શકે છે.

સંગઠન પણ ગામડાં ખૂંદશે

માર્ચમાં પ્રદેશ પ્રમુખથી પેજ પ્રમુખનો ફાસ્ટ્રેક પ્રચાર શરૂૂ જશે તો બીજી બાજુ ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખ અત્યારથી જ ચૂંટણી મોડમાં આવીને પર કામે લાગી ગયા છે. સંગઠનના દરેક આગેવાનોને ચૂંટણી અંગેની કામગીરી સોંપવામાં આવી રહી છે, સાથે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની પ્રજાલક્ષી કામગીરી ઘેર ઘેર સુધી પહોંચાડવાનો એક પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી એક બાજુ સરકારની કામગીરી ફાસ્ટ્રેક પર ચાલતી હશે તે સમયે સંગઠન પણ ગામડા ખૂંદતું હશે.

ભાજપ MLAનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરશે

આખી રૂપાણી સરકારને ઘરભેગી કર્યા બાદ હવે ભાજપના ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર થઇ રહ્યાં છે, જેના આધારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં આવી શકે છે. આ મામલે નવા મંત્રીઓની યાત્રાઓની સાથે સંગઠન દ્વારા ધારાસભ્યોની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.ગુજરાતમાં સંપૂર્ણ પરિવર્તનની દિશામાં ભાજપે કરેલી આગેકૂચમાં રૂૂપાણી સરકાર અને તેના તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા બાદ પક્ષના ધારાસભ્યો અને સાંસદોની ચિંતા વધી ગઈ છે, કેમ કે નો-રિપીટ થિયરી હવે પક્ષના સિનિયરોને પણ લાગુ થશે તેમજ ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને રિપીટ ન કરવા અને આ માપદંડ સૌને માટે સરખા એવો સંદેશ પણ આપવામાં આવે એવી શક્યતા છે.