ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના ટાઢો પડ્યો

દુનિયામાં નવા કેસોમાં એક દિવસમાં પોણા સાત લાખ કેસ ઘટ્યા: ભારતમાં પણ રાહત રૂપી સમાચાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

વિશ્ર્વમાં કોરોના હળવો પડ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં વિશ્ર્વમાં અને ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

આજે સવારે વિશ્ર્વના કોરોનાના જાહેર થયેલા વિશ્ર્વના કોરોનાના આંકડા મુજબ 24 કલાકમાં વિશ્ર્વમાં કોરોનાના 21.67 લાખ નવા કેસ નોંધાયા છે જે ગઇકાલનાં 28.37 લાખ કેસ કરતા લગભગ પોણાસાત લાખ કેસ ઓછા છે.

આજ રીતે ભારતમાં ગઇકાલે નોંધાયેલા 3.33 લાખ કેસ સામે આજે ઘટીને 3.06 લાખ કેસ થયા છે.

વિશ્ર્વમાં અત્યાર સુધી કોરોનાના પંજોમાં અપડાયેલ અમેરિકામાં પણ કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં આ આંકડો બે લાખની અંદર આવી ગયો છે. અમેરિકામાં 24 કલાકમાં 1.97 લાખ કેસ નોંધાયેલ છે.

વિશ્ર્વમાં આજે ભારતમાં સૌથી વધુ 3.06 લાખ નવા કેસ નોંધાયા છે જયારે બીજા નંબરે ફ્રાન્સમાં 3.01 લાખ કેસ નોંધાયા છે. ભારતમાં કર્ણાટકની હાલત સૌથી વધુ ખરાબ છે. દેશનાં 20 ટકા કેસ એકલા કર્ણાટકમાં નોંધાઇ રહ્યા છે. કર્ણાટકમાં આજે 50 હજારથી વધુ નવા કેસ આવ્યા છે.

દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. આજે પણ રવિવારની સરખામણીએ કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ ઘટાડા બાદ પણ સ્થિતિ સારી થઇ હોય તેવુ કહેવુ ખોટુ જ રહેશે. રવિવારની સરખામણીએ આજે એટલે કે, સોમવારે કોરોનાનાં કેસ 27 હજાર ઓછા છે.

આપને જણાવી દઇએ કે, દુનિયામાં કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે, જેમા અમેરિકા એક એવો દેશ છે જે આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. વળી આ ક્રમમાં ભારત પણ ખરાબ સ્થિતિમાં છે. જણાવી દઇએ કે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારે દેશમાં કોરોનાનાં 3,06,064 નવા કેસ નોંધાયા છે. મંત્રાલય દ્વારા

જારી કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 439 લોકોનાં મોત થયા છે, જેમાંથી 77 લોકોનાં મોત એકલા કેરળમાં થયા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,89,848 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસ લોડ 22 લાખને વટાવીને હાલમાં 22,49,335 થયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો પાંચ ટકાથી વધીને 5.69% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 20.75% થયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,62,26,07,516 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 27,56,364 લોકોને રસી આપવામાં આવી છે.

રિકવરી રેટ હાલમાં 93.07% છે. છેલ્લા 24 કલાકમાં 2,43,495 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,68,04,145 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ઈંઈખછ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ માટે 14,74,753 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલ સુધીમાં કુલ 71.69 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 50,210 નવા કેસ સામે આવ્યા છે. અગાઉ 5 મે, 2021નાં રોજ રાજ્યમાં 50,112 કેસ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોના સંક્રમિતોનાં મોત થયા છે જ્યારે 22,842 લોકોએ આ સંક્રમણ પર જીત મેળવી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,12,1274 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં, સક્રિય કેસોની સંખ્યા એટલે કે અહીં સારવાર લઈ રહેલા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3,57,796 છે.