મોરબી નાગરિક બેંકમાં કર્મચારી દ્વારા રૂા.1.93 કરોડનું કૌભાંડ ખાતેદારોની જાણ બહાર ચેકમાં ખોટી સહી કરી ઉચાપત કરતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-12-2021

સૌરાષ્ટ્રમાં જાણીતી અને નાના લોકોની મોટી બેન્ક ગણાતી એવી રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી ખાતેની રવાપર બ્રાન્ચમાં બેંકના કર્મચારી દ્વારા બેન્ક ખાતેદારોની જાણ બહાર ફિક્સ ડિપોઝીટ અને અન્ય રસીદ પ્રીમેચ્યોર કરી ચેકમાં ખોટી સહીઓ કરવા ઉપરાંત નેટ બેન્કિંગ દ્વારા 1.93 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરતા બેન્ક ખાતેદારોની મરણમૂડી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે અને આ મામલે બેંકના ઉચ્ચ અધિકારી દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દેશની રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચાલી રહેલા કૌભાંડો વચ્ચે સહકારી બેંકમાં પણ આ સડો પહોંચી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે નાના લોકોની મોટી બેન્ક ગણાતી અને ગ્રાહકોમાં વિશ્વાસ ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી રવાપર રોડ શાખાના વાવડી રોડ કારીયા સોસાયટીમાં રહેતા કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ દ્વારા બેંકના અનેક ગ્રાહકોની જાણ બહાર બેંકમાં મુકવામાં આવેલી ફિક્સ ડિપોઝીટ તોડી પ્રીમેચ્યોર કરી બેંકના ખાતેદારની જાણ બહાર ચેક દ્વારા તેમજ નેટ બેન્કિંગ કરી રૂ.1,92,99,064ની રકમ સમયાંતરે ગપચાવી લેવામાં આવતા બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર ધર્મેશ કાશીરામ મોરેએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લોકોની મરણમૂડી સમાન ફિક્સ ડિપોઝીટની રકમ બેંકના ગ્રાહકોની જાણ બહાર તફડાવી લેવાની આ ચોંકાવનારી ઘટનામાં બેંકનો કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ વર્ષ 2017 થી 19-07-2021 સુધી રાજકોટ

નાગરીક બેંકમાં આરોપી ફરજ બજાવતો હતો જે દરમિયાન પોતાનું કૌભાંડ ચલાવતો હતો અને આ બાબતે બેંકના ઉચ્ચ અધિકારીઓ કે ઓડિટ વિભાગને ગંધ સુધ્ધાં આવી ન હતી તે ભારે શંકાસ્પદ બાબત છે.

દરમિયાન હાલમાં બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર ધર્મેશ કાશીરામ મોરેની ફરિયાદના આધારે બેંકના ગ્રાહકોની ફિક્સ ડિપોઝીટ તફડાવી લેનાર પ્રકાશ ગોંવીદભાઇ નકુમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી બેંકના ખાતધારકના રસીદ, ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી કુલ -59 ખાતાધારક સાહેદોના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ રૂ. 1,92,99,064 ની નાણાંકીય ઉચાપત કરી બેન્કમાંથી અંગત ઉપયોગ માટે ઓળવી જવા મામલે ફરિયાદ નોંધી તપાસમા ખુલ્લે તે આરોપીઓએ બેન્ક સાથે ઠગાઇ વિશ્વાસધાત કરવા મામલે ગુન્હો દાખલ કર્યો છે. જો કે હજુ સુધી મહા કૌભાંડી પ્રકાશ નકુમ પોલીસ ગિરફતથી દૂર છે અને પોલીસના હાથે ઝડપાયા બાદ આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ કર્મચારી સામેલ છે કે કેમ તે હકીકત બહાર આવશે હાલમાં આ કેસની તપાસ એ ડિવિઝન પીએસઆઇ એસ.એમ.રાણા ચલાવી રહ્યા છે.