ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરૂ કરનારું ગુજરાત આઠમું રાજ્ય બન્યું

સચિવાલય કાર્યાલયમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે સચિવાલય કાર્યાલય ગુજરાતમાં ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરૂ કર્યું છે. તમામ રાજ્યોમાં આરટીઆઈની અરજી ઓનલાઈન કરી શકાય તે માટે વર્ષ 2013માં કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં પત્ર લખાયો હતો પરંતુ તેની અમલવારી અંગે માલુમ પડયું કે લગભગ મોટાભાગના રાજ્યોમાં ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરૂ કરવા બાબતે ખાસ ધ્યાન અપાયું ન હતું.

સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની આગવી ઓળખ છે ત્યારે ગુજરાતમાં ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ કેમ નહીં ! અને તેને શરૂ કરવા માટે 16-12-2016ના રોજ સૌપ્રથમ રાજકોટના શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને સૌ સાથી મિત્રો અને ગુજરાતના તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ મિત્રોએ ડિજિટલ મૂવમેન્ટ શરૂ કરી ગુજરાતમાં ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ, વિરોધ પક્ષના નેતા, રાજ્યના તમામ સંસદસભ્ય, ધારાસભ્ય, મુખ્ય માહિતી આયોગને ગુજરાત રાજ્યમાં ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરૂ કરવા માટે ઓનલાઈન સતત રજૂઆતો કરી.

ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં અન્ય સાથી મિત્રોએ પીઆઈએલ દાખલ કરી અને ગુજરાત હાઈકોર્ટના કડક વલણના લઈને સરકારે સત્વરે ગુજરાતમાં ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ ગાંધીનગર સચિવાલયથી શરૂ કર્યું છે જે આગામી થોડા વખતમાં સ્થાનિક કચેરીઓને પણ આવરી લેવામાં આવશે.

સરકારના આ પગલાથી ગુજરાતના સૌ નાગરિકો અને સૌ આરટીઆઈ એક્ટિવિસ્ટ સમૂદાયે સરકારના આ પગલાંને આવકારેલ છે. ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ કાર્યાન્વિત થતા નાગરિકોને માહિતી અધિકારની અરજીઓ-અપીલો દાખલ કરવા કચેરી સુધી નહીં જવું પડે અથવા રજિસ્ટર એડીના પૈસાઓ નહીં ખર્ચવા પડે અને બિનજરૂરી પત્રવ્યવહાર પણ અટકી શકશે અને આ પહેલ દિવ્યાંગ નાગરિકો, સિનિયર સિટીઝનો અને આજના યુવાધનને ખુબ જ ઉપયોગી થશે.