જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ, આફ્રિકાથી પરત ફરેલો મોરકંડાનો યુવાન સંક્રમિત

હાલ યુવાન જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ, દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલવામાં આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021

ખુબ જ ઝડપી ચેપી અને ગણાતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટનો જામનગરમાં શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહિત નાગરિકોની ચિંતા બેવડાઈ છે. આજે જી.જી. હોસ્પિટલમાં પોઝીટીવ નોંધાયેલો દર્દી ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જાહેર થતા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

દેશમાં આજે કર્ણાટક ખાતેથી દેશના પ્રથમ બે ઓમીક્રોન વેરિયન્ટ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે સત્તાવાર જાહેર થયું છે. સતત વધતો જતો કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાનો નવો વેરિયન્ટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જાહેર થતા ફફડાટ ફેલાયો છે. યુવાન દર્દી હાલમાં જ આફ્રિકાથી જામનગરના મોરકંડા ગામે આવ્યો હતો. હાલ તેમની સારવાર જી.જી. હોસ્પિટલમાં ચાલુ છે. ઉપરાંત પુણે મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આરોગ્ય તંત્રના શ્વાસ અધ્ધર રહેશે.