સરકાર લોન્ચ કરવા જઈ રહી છે જમીનોનુ આધાર કાર્ડ, જાણો તેના ફાયદા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-11-2021

આધાર કાર્ડના કારણે લોકોનો રેકોર્ડ રાખવામાં સરકારને ઘણી સરળતા થઈ ગઈ છે ત્યારે હવે આધાર કાર્ડની જેમ સરકાર જમીનો માટેનુ પણ આગવુ આધાર કાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની આગવી ઓળખ આપવામાં આવશે.જેને ULPIN(UNIQUE LAND PARCEL IDENTIFICATION NUMBER) તરીકે ઓળખવામાં આવશે.આ નંબર તમામ બેન્કો અને સરકારી સંસ્થાઓ પાસે હશે.જે રીતે આધાર કાર્ડથી વ્યક્તિની ઓળખ થાય છે તે જ રીતે ULPINથી પણ જમીનની ઓળખ કરવામાં આવશે.

અક્ષાંક્ષ રેખાંશના આધારે જમીનના રેકોર્ડને ડિજિટલાઈઝ કરીને ULPIN તૈયાર કરશે અને તેને ઓનલાઈન કરવામાં આવશે.

એક વખત ULPIN મળ્યા બાદ જમીનની જાણકારી માટે રેવેન્યૂ ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે, આ જમીનના ખરીદ વેચાણનો રેકોર્ડ પણ તેના આધારે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.તેનો પ્રિન્ટ આઉટ પણ લઈ શકાશે.જમીનના દસ્તાવેજમાં કોઈ જાતની છેડછાડ પણ નહીં થઈ શકે.

ULPINના કારણે જમીનના ઝઘડા ઘટશે.કારણકે ખોટી રીતે જમીનનુ રજિસ્ટ્રેશન જમીન માલિક સિવાય બીજા કોઈના નામ પર નહીં કરી શકાય.એક જ જમીન પર અલગ અલગ બેન્કોમાંથી લોન લેવાનુ પણ ઘટી જશે.બે નંબરની લેવડ દેવડ પર પણ રોક લાગશે.

હાલમાં લેન્ડ રેકોર્ડના ડિજિટલાઈઝેશનની કામગીરી ચાલી રહી છે અને 94 ટકા કામગીરી દેશમાં પુરી થઈ ગઈ છે.5220 રજિસ્ટ્રેશન ઓફિસો પૈકી 4883ને ઓનલાઈન કરાઈ છે.19 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે.13 રાજ્યોમાં સાત લાખ જમીનના હિસ્સાઓ માટે ULPIN પણ અપાઈ ગયા છે.