મોરબીનો મચ્છુ-3 ડેમ 92% ભરાયો : 15 ગામમાં એલર્ટ

સૌથી વધુ વાંકાનેરમાં સાડા પાંચ ; સૌથી ઓછો અઢી ઇંચ વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-07-2021

મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામાં 136 એમએમ નોંધાયો છે જો કે, મોરબી તાલુકામાં સૌથી ઓછો 66 એમએમ વરસાદ નોંધાયો છે તેમ છતાં મોરબીની નજીકમાં આવેલ મચ્છુ-3 ડેમ 92 ટકા ભરાઈ ગયો હોવાથી હાલમાં સિચાઈ વિભાગ દ્વારા 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં હજુ મેઘરાજ ટેસ્ટ મેચ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જુદાજુદા વિસ્તરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળી રહેલી માહિતી મુજબ છેલ્લી 24 કલાકમાં પાંચ તાલુકામાથી એક માત્ર ટંકારામાં 14 એમએમ વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનની વાત કરીએ તો તેમાં વાંકાનેર 136 એમએમ, ટંકારા 99 એમએમ, માળીયા 83 એમએમ, હળવદ 78 એમએમ અને મોરબીમાં 66 એમએમ વરસાદ થયો છે.

મોરબી નજીક આવેલા મચ્છુ-3 ડેમ હાલમાં 92 ટકા ભરાયેલો છે જેથી કરીને એક સારો વરસાદ પડતની સાથે જ ડેમના દરવાજા ખોલીને વરસાદી પાણી નદીમાં ગમે ત્યારે છોડવામાં આવે તેમ છે જેથી ડેમની નીચેના ભાગમાં આવતા 15 થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે જે ગામોને એલર્ટ કરેલ છે તેમાં ગોર ખીજડિયા, વનાળિયા, માનસર, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), અમરનગર, ગૂંગણ, નવા નાગડવાસ, જુના નાગડવાસ, બહાદુરગઢ, નારણકા, અમરેલી, ધરમપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે