મોરબીના અનેક ઉદ્યોગપતિઓને શિકાર બનાવનાર ચિટર પકડાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

મોરબીના અલગ અલગ ઉદ્યોગપતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી છેતરપીંડી કરનાર બે ઇસમોને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓ ટાઇલ્સનો જથ્થો મંગાવ્યા બાદ પૈસા ચૂકવતા નહીં હોવાનું ખુલ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં સિરામિક એકમો સાથે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સિરામિક માલિકોને વિશ્વાસમાં લઈને એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરીને ટાઈલ્સ મંગાવી તેનું પેમેન્ટ ના આપી ચીટીંગ આચરવામાં આવતી હોય, જે બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નીલેશ પ્રવીણ સાવલીયા (રહે રાજ રેસીડેન્સી, કામરેજ રોડ, સુરત, મૂળ તા. સાવરકુંડલા, અમરેલી) અને જગદીશ શમ્ભુ જોગાણી (રહે સૌરાષ્ટ્ર રેસીડેન્સી, કામરેજ, સુરત, મૂળ રહે રાજુલા, જી અમરેલી) ને ઝડપી લેવામાં આવેલ છે.

જે ચીટીંગની સઘન તપાસ ચલાવતા આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી મોબાઈલ નંબરના ઉપયોગથી સિરામીકના માલિકો પાસેથી ટાઈલ્સ મંગાવી પૈસા ચુકવતા ના હોવાનું ખુલ્યું છે. અલગ અલગ ૭ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ચીટીંગ કરવામાં આવી હતી. મોરબીના અલગ અલગ સિરામિક માલિકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે ત્યારે કોર્ટના હુકમ અન્વયે સબ જેલ મોરબી ખાતેથી કબજો મેળવીને મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

20 જેટલી ફેક્ટરી સાથે 1.75 કરોડની છેતરપિંડી : મોરબી નજીક આવેલ ૨૦ જેટલી સિરામિક ફેક્ટરી સાથે આ બંને ઇસમોએ ઠગાઈ કરી હતી અને ૨૦ ફેક્ટરીમાંથી અંદાજે ૧.૭૫ કરોડની કિમતની ટાઈલ્સ મંગાવી બાદમાં પેમેન્ટનો ધુંબો મારી દીધાનું સુત્રો જણાવે છે. જોકે મોરબીમા ૧૨ લાખથી વધુની છેતરપીંડી થયાની એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને કાર્યવાહી કરી છે,

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો