યોગ દિવસે રસીકરણનો રેકોર્ડ, એક જ દિવસમાં 70 લાખથી વધુ વેક્સિન ડોઝ લાગ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06-2021

આજે યોગ દિવસ નિમિત્તે ભારતમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાને રેકોર્ડ નોંધાવ્યો છે. દેશભરમાં કોરોના મહામારી વિરુદ્ધ તેજ કરાયેલા કોરોના રસીકરણ અભિયાનમાં દેશવાસીઓ પણ આગળ આવીને ભાગ લઇ રહ્યા છે. સરકારી આંકડા દર્શાવે છે કે આજે, 21 જૂને દેશભરમાં આશરે 70 લાખથી વધુ કોરોના રસીના ડોઝ લગાડવામાં આવ્યા છે.

જોકે આજથી કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને ફ્રી વેક્સિન લગાવી રહી છે. કેટલાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેનું એલાન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રસીકરણને ગતિમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ દેશમાં કોરોના રસીની અછતને પહોંચી વળવા માટે સરકારે વેક્સિન ઉત્પાદનમાં ધરખમ વધારો કર્યો છે અને કુલ ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બાકીનો 25 ટકા હિસ્સો ખાનગી દવાખાનાઓ દ્વારા ખરીદી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરે દેશ પર ભારે કહેર વર્તાવ્યો છે. આ દરમિયાન સરકારે રસીકરણ અભિયાનને તેજ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અનેક રાજ્યોએ રસીના પુરવઠાને લઇને સરકાર પર નિશાન સાધ્યા હતા. જોકે સ્થિતિ હળવી બનતા કેન્દ્ર સરકારે જાતે જ રસી ખરીદીને રાજ્ય સરકારોને પુરવઠો પુરો પાડવાનો નિર્ણય લીધો છે. આ પહેલા રાજ્ય સરકારોને જાતે જ રસી ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું.

કોરોના મહામારી દેશમાં એક વર્ષથી વધુ સમયથી પ્રસરી ચૂકી છે અને અત્યાર સુધી સાડા ત્રણ લાખથી વધુ લોકોનો ભોગ લઇ લીધો છે. એની સામે કેન્દ્રએ રસીની શોધ પછી આ વર્ષે જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરુ કર્યું હતું. જેના પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી હતી, જે પછી બીજી તબક્કામાં સિનિયર સિટિઝન્સનું રસીકરણ અભિયાન શરુ કરાયું હતું. ત્રીજા તબક્કામાં 45થી વધુ વયના લોકોનું રસીકરણ કરવાનો લક્ષ રાખવામાં આવ્યો હતો જ્યારે હાલમાં 18થી વધુ વયના તમામ લોકોનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેનુ સંપૂર્ણપણે નેતૃત્વ મોદી સરકાર કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો