જામનગર : પાણાખાણ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે ભારે હાલાકી

અનેક રહેવાસીઓના ઓટલા અને ગટરની પાઇપ લાઈન તોડી નંખાતા લોકો રોષે ભરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. કામગીરી દરમિયાન પાણાખાણ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન રહેવાસીઓના ઓટલા તોડી પડતા તેમજ ગટરની લાઈન પણ તોડી પડતા રહેવાસીઓ રોષે ભરાયા છે. 

 ભૂગર્ભ ગટરનું કામ કાચબા ગતિથી ચાલી રહ્યું છે એમાં પણ ખાડા ખોદી નખાયા બાદ કામ વરસાદી માહોલ પહેલા પૂર્ણ ન કરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અમુક જગ્યાએ તો લોકોના ઓટલા પણ ભાંગી નાખ્યા છે તો અમુક રહેવાસીઓની ગટરની લાઈન તોડી નાખતા ગટરનું પાણી શેરીમાં ચો તરફ ફેલાઈ રહ્યું છે જેથી એક કોર ગંદકીનો ત્રાસ તો બીજી બાજુ વરસાદ પડતા જ ચો તરફ કિચકાણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોન્ટ્રાક્ટર દ્વારા અમુક રહેવાસીઓની ગટરની લાઈન તોડી નાખી તેને રીપેર પણ કરવામાં ન આવતા નુકસાની ભોગવનાર રહેવાસીઓએ લગત અધિકારીઓને ફરિયાદ કરી તાકીદે ગટરનું કામ પૂર્ણ કરવા અને જે ઇસમોના પાઇપ લાઈન તોડી નંખાયી છે તેમને કોન્ટ્રાક્ટર દ્વારા રીપેર કરી આપવા ફરિયાદ સાથે માંગ કરાઈ છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો