આજથી દરેક ઘરેણાં પર હૉલમાર્કિંગ ફરજિયાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

સોનાની ખરીદીમાં અવરણવાર છેતરપીંડીના સમાચારો આવતા રહે છે. ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવવા માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડએ આજ તા.15 જૂનથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. એટલે કે કોઈ પણ જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનાના આભૂષણો વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ હોલમાર્કિંગનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો પરંતુ કોરોનાના કારણે તેને લાગુ કરવામાં મોડુ થયું હતું.

કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરામને જણાવ્યું કે, અમે આને એક લેંડમાર્ક નિર્ણય ગણીએ છીએ અને આના કારણે જ્વેલરી ઉદ્યોગના કાર્યશૈલીમાં ઘણો જ બદલાવવ આવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે નવું માળખું સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને તેમની નવી જ્વેલરી ખરીદી તેમજ તેમની અદલાબદલી અથવા કોલેટરલાઇઝ્ડ જૂનું સોનું યોગ્ય મૂલ્ય મળશે.

‘એવા’ વેપારી હવે દંડાશે

નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે. નિયમ મુજબ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટની પ્યોરિટી વાળા સોનામાં હોલમાર્કિંગ કરવાનું રહેશે. જાણકારોના કહેવા મુજબ અનેક કિસ્સામાં એવું બનતું હતું કે, વધુ કેરેટનું સોનું બતાવી અને ઓછા કેરેટનું સોનું વેચવામાં આવતું હતું. હોલમાર્કિંગ ફરજિયાત બનતા હવે ગ્રાહક પ્યોરિટીના મામલે છેતરાશે નહીં. જો કોઈ જ્વેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે ખોટું કરે તો બીઆઈએસના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો