બગીચા, જીમ, લાઈબ્રેરી, હોટલ, રેસ્ટોરન્ટ કાલથી ખૂલશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

રાત્રી કર્ફ્યૂની અમલવારી યથાવત! ટ્રાન્સપોર્ટેશન 60% સાથે ચાલુ રખાશે

રાજકોટ સહિત ગુજરાત ભરમાં આવતીકાલથી 50 ટકાની મર્યાદામાં મલ્ટીપ્લેક્ષ, રેસ્ટોરન્ટ, જાહેર બાગ-બગીચા, અને જીમ, પૂસ્તકાલયો ખોલવાની છુટ આપતા આજથી વેપાર-ધંધાના સ્થળે સાફ-સફાઈ અને સેનેટાઈઝરના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.

લાંબા સમયથી બંધ મંદિરોમાં દર્શનનો લાભ ભકતો કાલથી લઈ શકશે

મંદિરમાં દર્શને જતાં દર્શનાર્થીઓને ઓનલાઈન-ઓફલાઈન પાસ લેવો ફરજિયાત

રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 50 વ્યકિતને છૂટ

અગિયારમી જૂનથી છવ્વીસમી જૂન સુધી ગુજરાતમાં તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. આમ હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. જોકે કરફ્યુના સમયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. 26મી જૂન સુધી રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અગાઉની જેમ જ અમલ કરવાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સી.એમ. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મળેલી બેઠકમાં 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 11 જૂનથી 2021 થી 26 જૂન ના સમય દરમિયાન રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9 થી સાંજે 7 સુધી કુલ બેસવાની ક્ષમતા ના 50 કસ્ટમર્સને બેસાડીને ચાલુ રાખી શકાશે. હોટેલ્સ અને રેસ્ટોરામાંથી ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. રાત્રી કર્ફ્યુનો અમલ 11 જૂન રાત્રે 9થી તારીખ 26 જુન 2021 ના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના 50 ટકા સભ્યોને બેસવાની છૂટ આપીને અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા

કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે. તેમને માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજનરનું પાલન આવશ્યક રાખવામાં આવ્યું છે. ગુજરાતના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી આઈઈએલટીએસ કે ટોફેલની પરીક્ષાઓ વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સવસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

ક્યા-ક્યા મંદિરો ખૂલશે

સોમનાથ મંદિર, પ્ર.પાટણ

દ્વારકાધીશ મંદિર, દ્વારકા

ચામૂંડા મંદિર, ચોટીલા

જલારામધામ, વીરપુર

ઘેલા સોમનાથ, જસદણ

અંબાજી મંદિર, અંબાજી

નાગેશ્ર્વર મંદિર, દ્વારકા

પાવાગઢ, મોઢેશ્ર્વરી મંદિર, મોઢેરા, સૂર્ય મંદિર મોઢેરા,

ખોડલધામ કાગવડ

SOPની મહત્વની જાહેરાત

1 રેસ્ટોરન્ટ, હોટલમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી પ0 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે

2 ટેકઅવે રાત્રીના 12 વાગ્યા સુધી યથાવત

3 ફૂડની હોમ ડિલીવરી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે

4 લાઈબ્રેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે

5 જીમ 50 ટકાની ક્ષમતા સાથે ખૂલશે

6 રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 50 લોકોને મંજૂરી

7 રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો ખૂલશે

8 મંદિરોમાં 50થી વધુ દર્શનાર્થીઓ એક સમયે નહીં જઈ શકે

9 દર્શનાર્થીઓએ ઓનલાઈન-ઓફલાઈન પાસ મેળવવો ફરજિયાત

10 મંદિરના પટાંગણમાં દર્શનાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરી, સેનેટાઈઝ કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો