(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021
પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનું જોખમ વર્તાઈ રહ્યું છે. હવામાન વિભાગે (IMD) 24 કલાકની અંદર વાવાઝોડું ગંભીર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડાના કારણે મંગળવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની આશંકા છે.
હવામાન વિભાગે આપેલી ચેતવણી પ્રમાણે વાવાઝોડાના કારણે તટીય વિસ્તારોમાં 2-4 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. હવામાન ક્ષેત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે યાસ વાવાઝોડું બુધવારે (26 મે) સાંજ સુધીમાં ઓડિશાના પારાદીપ અને સાગર આઈલેન્ડ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે.
NDRFની ટીમ તૈનાત:યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની અનેક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઓડિશાના ભદ્રક, કેન્દ્રપાડા, જાજપુર, જગતસિંહપુર અને મયૂરભંજ વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને ઉત્તર 24 પરગણામાં અસર જોવા મળશે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડું 26 મેના રોજ બંગાળ અને ઓડિશાના કિનારે અથડાઈ શકે છે. વાવાઝોડાના અણસારને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
લોકોનું સ્થળાંતરણ: યાસ વાવાઝોડાના આગમન પહેલા એનડીઆરએફ એ પૂર્વીય મેદિનીપુર જિલ્લાના દીઘા વિસ્તારને ખાલી કરી દીધો છે. એનડીઆરએફની રાહત અને બચાવ ટીમ લાઉડસ્પીકર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા આગ્રહ કરી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો