વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનો પીએમ મોદીએ એરિયલ સર્વે કર્યો : એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત ટાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગીર–સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.

ત્યારબાદ તેમણે અમદાવાદમાં ગુજરાત અને દીવમાં હાથ ધરવામાં આવેલી રાહત અને પુનર્વસન માટેના પગલાંની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ગુજરાત રાજ્યને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા 1000 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પછી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું આકલન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને મોકલશે, જેના અહેવાલને આધારે વધારે સહાયતા પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયગાળામાં રાજ્ય સરકાર સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપન અને એનું પુનઃનિર્માણ કરવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રે પ્રધાનમંત્રીને મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને પ્રધાનમંત્રીએ મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ચિતતા કરવા પર ભાર મૂક્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો