વાવાઝોડા પહેલાં દીવનો દરિયો બન્યો ગાંડોતૂર, ઉછળ્યા મહાકાય મોજા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ’તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ‘તાઉ’તે’ (cyclone tauktae) વેરાવળથી દક્ષિણ-પૂર્વમાં 220 કિમી દૂર છે અને તે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે રાત્રે 8 થી 11 વાગ્યા વચ્ચે દિવથી 20 કિમી પૂર્વમાં આવી પહોંચશે અને પોરબંદરથી મહુવા વચ્ચે ટકરાવાની સંભાવના છે. આ સમયે તેની ગતિ 155થી 165 કિમી પ્રતિ કલાકની હોવાનો અંદાજ છે. જોકે, આ પહેલાં સાંજે દીવના (Diu Curretn in sea) દરિયામાં મહાકાય મોજા ઉછળ્યા હતા. દીવના દરિયામાં ઘોઘલા બીચ પર અને ચક્રતીર્થ બીચ પર તેમજ નાગવા બીચ પર દરમિયામાં ઊંચી ઊંચી લહેરો ઊઠી હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) કેમેરામાં કેદ થયો છે.

દીવના દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા હતા. અહીંયાના જલંધર, ચક્રતીર્થ, ધોઘલાથી લઈને વાડી વિસ્તારના કાંઠાઓમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હાલમાં દીવના તમામ માછીમારોને સલામત રીતે પરત બોલાવી લેવામાં આવ્યા છે. અહીંયા રાહત બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફ તહેનાત છે. જરૂરી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

દરમિયાન આજે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવે વાવાઝોડા અંગે સરકારની તૈયારી અંગે માહિતી આપી હતી જેના મુજબ જેમાં સૌથી વધુ પ્રભાવિત પાંચ જિલ્લા-પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતેથી 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નથી. દરિયામાંથી 19811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

234 વીજ પોલ, 66 વૃક્ષો અત્યારસુધીમાં થયા ધરાશાયી

અત્યાર સુધીમાં 234 વીજપોલ, 66 વૃક્ષ પડી ગયાં છે જેમાં ગીરસોમનાથના વીજપોલનો પણ સમાવેશ થાય છે, જ્યારે કેટલાંક કાચાં મકાનોને નુકસાન થયું છે. આ સિવાય, છ જેટલા બંધ થઈ ગયેલા રસ્તાઓને પુન: શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે પવનના કારણે કુલ 629 સ્થળે વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો મળી હતી. જે પૈકી 474 ફરિયાદોનો નિકાલ કરી પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે.

રેપિડ રિસ્ટોરેશન ટીમની રચના

આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો