મોરબીના કાંતિપુર ગામનો માતાને ઢોર માર મારતો પુત્રનો વિડિઓ વાઇરલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

થોડા દિવસ પહેલા જ આખા વિશ્વએ મદર્સ ડે ઉજવ્યો હતો. ત્યારે તો સોશિયલ મીડિયામાં માતા અંગેનાં પ્રેમનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પુત્ર માતાને ઢસડીને સાવરણીથી માર મારતો દેખાય છે. આ વીડિયો મોરબીના કાંતિપુર ગામનો છે. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાની સાથે મોરબીનાં એસપી સુબોધ ઓડેદરાએ તપાસનાં આદેશ આપ્યા છે.

કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમનો મોટો દીકરો મનસુખ પરમારે સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભાબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો મોરબીનાં કાંતિપુર ગામનો છે જેની પુષ્ટી ગામનાં સરપંચ ઇશ્વરભાઇએ કરી છે. આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો છે તેવું પણ જાણવા મળ્યું છે.

વાયરલ વીડિયોને આધારે મોરબીના કાંતિપૂર ગામે માતાને પુત્ર દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ આ અંગે જણાવ્યું છે કે, આ બનાવમાં કોઇ ફરિયાદ કરવા ઇચ્છસે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. મોરબી આ અંગે તપાસ કરવા માટે તાલુકા પોલીસ કાંતિપૂર ગામે જવા રવાના થઇ છે.

થોડા દિવસો પહલા રાજકોટમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરમાં વૃદ્ધ માતાને હક્ક હિસાની લ્હાયમાં પુત્રએ પોતાની પત્ની સાથે મળીને માતાને ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે માતાને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પરમાર નામના વૃદ્ધાને તેમના જ પુત્ર રાજુ અને તેની પત્ની મોહિનીએ ઝઘડો કરી ધક્કો મારી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સારવાર અર્થે પુષ્પાબેનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો