સુરેન્દ્રનગર, વઢવાણમાં દુકાનો ખૂલતા પોલીસે બંધ કરાવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તેમજ શહેરમાં લોકોની ભીડ એકત્ર ન થાય અને કોરોના વાયરસની ચેઈન તુટે તેવાં હેતુથી સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના વેપારીઓ અને સ્થાનીક તંત્રના અધિકારીઓએ બેઠક યોજી પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો હતો અને જેના ભાગરૂપે શહેરની બજારો પાંચ દિવસ સંપૂર્ણ બંધ રહ્યાં બાદ ફરી ખુલતા તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતાં વેપારીઓ અને દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કોરોના વાયરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે અને બીજી લહેર ખુબ જ ચીંતાજનક સાબીત થઈ છે ત્યારે દરરોજ જીલ્લામાં અંદાજે ૧૦૦થી વધુ કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે અને અનેક દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે ત્યારે જીલ્લામાં કોરોના વાયરસની ચેઈન તુટે અને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના વેપારીઓ અને સ્થાનીક તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી ગત તા.૨૮ થી ૨ મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન સર્વાનુમત્તે નિર્ણય લેવાયો હતો અને જેના ભાગરૂપે સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરની તમામ દુકાનો અને બજારો સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ રહી હતી અને વેપારીઓએ પણ લોકડાઉનને સમર્થન આપ્યું હતું. ત્યારે પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન બાદ બજારો સવારે રાબેતા મુજબ વેપારીઓ અને દુકાનદારો ખોલી રહ્યાં હતાં ત્યારે કોઈપણ જાતની જાણ કે સુચના વગર અચાનક પોલીસે શહેરની દુકાનો બળજબરીપૂર્વક બંધ કરાવી હતી આથી વેપારીઓ અને દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે અમુક વેપારી એસોશીએસનના હોદ્દેદારો અને આગેવાનોના જણાવ્યા મુજબ પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ફરી તંત્ર દ્વારા વેપારીઓ સાથે સંકલન કરી વધુ ત્રણ દિવસનું એટલે કે આગામી તા.૦૫ મે સુધી લોકડાઉન લંબાવ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ નિર્ણય અંગે કોઈપણ વેપારી કે દુકાનદારોને જાણ ન કરાતા સંકલનના અભાવે દુકાનદારોએ સવારે દુકાન ખોલવા આવ્યા હતાં પરંતુ વધુ ત્રણ દિવસ લોકડાઉન લંબાવતા પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવતાં નારાજગી જોવા મળી હતી.

પોલીસે દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં રોષની લાગણી: સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું અને આ લોકડાઉન પૂર્ણ થતાં ફરી દુકાનદારો અને વેપારીઓ રાબેતા મુજબ ધંધો કરવા આવ્યાં હતાં પરંતુ પોલીસ દ્વારા શહેરની તમામ દુકાનો અને વેપાર ધંધાઓ બળજબરીપૂર્વક બંધ કરાવતાં અનેક વેપારીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિક તંત્રમાં સંકલનનો અભાવ:  પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન બાદ આગામી ૦૫ મે સુધી વધુ ત્રણ દિવસ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે પરંતુ આ અંગે સ્થાનીક તંત્ર દ્વારા વેપારી કે દુકાનદારને જાણ કરવમાં આવી નહોતી અને દુકાનો ખુલતા જ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવતાં દુર દુરથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ લોકોની ખરીદી થઈ શકી નહોતી અને સમય તેમજ નાણાનો વ્યય થયો હતો.

લૉકડાઉનને લંબાવ્યાની જાહેરાત ન કરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા: શહેરનીબજારોમાં પાંચ દિવસ સ્વૈચ્છિક લોકાડઉન પૂર્ણ થયા બાદ વધુ ત્રણ દિવસ માટે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ અંગે અનેક વેપારી એસોશીએસનના હોદ્દેદારો તેમજ દુકાનદારોને અગાઉ જાણ કે સુચના ન આપતા હાલાકી પડી હતી અને લોકોને ખરીદી વગર પરત ફરવાનો વારો આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો