‘કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે’; કાલથી મંજૂરી વગરની દુકાનો ખુલશે તો શોપ લાયસન્સ રદ્દ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

કોરોના નિયંત્રણનો કડક અમલ કરવા પોલીસ સજ્જ:લોકો બીનજરૂરી બહાર ન નીકળે, એક જ વિસ્તારમાં કરિયાણાની ચાર-ચાર દુકાનો એક સાથે ખુલ્લી હોય છે ત્યારે સ્વૈચ્છીક રીતે નક્કી કરી એક પછી એક ખોલવા અપીલ, જીવન જરૂરીયાત વસ્તુઓ વેંચતી દુકાનો જેમ કે મેડીકલ, ખાદ્યપદાર્થો, કરિયાણા વગેરે સિવાય કોઇપણ અન્ય દુકાનો કે વ્યવસાયિક એકમો ખુલ્લા નજરે ચડશે તો તેમનું શોપ લાયસન્સ રદ થઇ શકે તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે : આજે તમામ ટીમ દુકાનોને સમજાવવાના પ્રયત્નો કર્યા, અનેક લોકોની અટક પણ કરી તો કાલથી દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફને ફિલ્ડમાં ઉતરી નિયમોનું કડક પાલન કરાવવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટ, મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની જતાં અંતે સરકારે લોકડાઉન નહીં પરંતુ ‘મિનિ કોરોના લોકડાઉન’ લાગુ કરવું પડ્યું છે. એક સપ્તાહ સુધી લાગુ થનારા આ લોકડાઉનમાં જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાયની તમામ દુકાનોને તા.5 મે સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોય આ આદેશનું કડક પાલન થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બની ગયું છે. દરમિયાન આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાતચીતમાં મહત્ત્વની જાહેરાત કરી હતી કે આવતીકાલથી મંજૂરી વગરની દુકાનો ખુલ્લી જોવા મળશે તો તેનું શોપ લાયસન્સ જ રદ્દ થઈ જાય તેવો ‘જડબેસલાક’ કેસ કરવામાં આવશે. આદેશ અમલી બન્યાના પ્રથમ દિવસે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં અનેક દુકાનો ખુલ્લી જોવા મળતાં પોલીસ દ્વારા દુકાનદારોને ‘પ્રેમ’થી સમજાવાયા હતા પરંતુ આવતીકાલથી ‘સમજાવટ’ નહીં પરંતુ સીધી જ ‘એક્શન’ લેવામાં આવશે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આવતીકાલથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ચેકિંગમાં નીકળી જશે અને આદેશનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો પર આકરી કાર્યવાહી કરશે. જો કોઈ દુકાનદારને મંજૂરી ન હોવા છતાં દુકાન ખુલ્લી રાખશે તો સૌથી પહેલાં મહાપાલિકાને જાણ કરીને સાત દિવસ માટે તેની દુકાનને સીલ કરાવી દેવામાં આવશે. આ પછી પોલીસ દ્વારા તે દુકાનદાર ઉપર જડબેસલાક કેસ કરીને તેનું શોપ લાયસન્સ જ રદ્દ થઈ જાય તે પ્રકારનો કેસ કરાશે. એકંદરે કાલથી મંજૂરી વગર દુકાન ખુલ્લી રાખનાર વેપારીની દુકાનનું લાયસન્સ જ રદ્દ થઈ જાય તેવી કાર્યવાહી કરવા તંત્ર સજ્જ બની ગયું હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.

પોલીસ કમિશનરે ઉમેર્યું કે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને આદેશ આપી દેવામાં આવ્યો છે કે કાલથી પોલીસ સ્ટેશનમાં પીએસઓ સિવાયનો એક પણ સ્ટાફ હાજર નહીં રહે અને તમામ સ્ટાફે ફિલ્ડમાં ઉતરી જઈને નિયમનું ચુસ્ત પાલન કરાવવાનું રહેશે.આજે હું ચેકિંગમાં નીકળ્યો ત્યારે મેં જોયું કે એક જ વિસ્તારમાં કરિયાણાની ચાર-ચાર દુકાનો ખુલ્લી જોવા મળી હતી જે જોઈને મને પણ આશ્ર્ચર્ય થયું હતું તેથી હું કરિયાણાના દુકાનદારોને પણ અપીલ કરવા માંગું છું કે એક જ વિસ્તારમાં ચાર-ચાર જેટલી દુકાનો હોય તો ચારેય વેપારીએ આંતરિક સમજૂતિથી નક્કી કરી લેવું જોઈએ કે ચારમાંથી બે વેપારી સવારે દુકાન ખોલશે તો બે વેપારીબપોરે દુકાન ખોલશે. આમ કરવાથી લોકોનું એકત્ર થવાનું બંધ થઈ જશે જેના પરિણામે સંક્રમણમાં પણ ઘટાડો થઈ શકશે.

જરૂર પડશે તો ‘સ્ટિકર’ પદ્ધતિ પણ અમલી બનાવાશે: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે જેવી રીતે અમદાવાદમાં અત્યારે બહાર નીકળતાં લોકો અને વાહનો માટે ‘સ્ટિકર’ પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે તેવી જ જો જરૂર પડશે તો રાજકોટમાં પણ અમલી બનાવાશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સરકારી કચેરીઓ, મીડિયા સહિતના માટે અલગ અલગ રંગના સ્ટિકર લગાવવામાં આવે છે અને તેના આધારે જ લોકો બહાર નીકળી શકે છે.

અમે પ્રજા સાથે મળીને કામ કરવા માંગીએ છીએ એટલે તેમનો સહકાર અત્યંત જરૂરી: પોલીસ કમિશનરે જણાવ્યું કે આવતીકાલથી અમે નિયમોનું ચુસ્ત પાલન કરાવવા જઈ રહ્યા છીએ તેમાં અમે પ્રજા સાથે મળીને કામ કરવા માંગીએ છીએ એટલા માટે પ્રજાનો સહકાર પણ અત્યંત જરૂરી બની જાય છે. અત્યારે કોરોના ખતરનાક ગતિથી આગળ વધી રહ્યો હોવાથી તેને રોકવા માટે આ નિયમોનું ચુસ્ત પાલન જરૂરી બની જાય છે એટલા માટે જ લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો