કોરોનાના મોટાભાગના કેસમાં ઘરમાં રહીને જ દર્દી સાજા થઈ શકે છે: IMA

સરકારની અપીલ બાદ 37 હોસ્પિટલોમાં 600 બેડ ઉપલબ્ધ કરાવાયા: ગુજરાતમાં બાળદર્દી માટે સૌપ્રથમ 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાવાઈ: સમરસ અને કોવિડ સેન્ટરમાં આઈએમએના તબીબોની અવિરત સેવા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-04-2021

રાજકોટ, મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના બેફામ બની ગયો છે અને કેસ તેમજ મૃત્યુદર દરરોજ નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યું છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે કોરોનાના કેસો મળી રહ્યા છે તે પૈકીના મોટાભાગના કેસમાં ઘરમાં રહીને જ દર્દીઓ સાજા થઈ શકે તેમ હોવાથી લોકોએ આમ-તેમ દોડાદોડી કરવાની જરૂર નથી. ઈન્ડિયન મેડિકલ એસો.રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કામાણી અને સેક્રેટરી ડો.દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું કે અત્યારે કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે પરંતુ તેમાંથી મોટાભાગના કેસમાં હોમ આઈસોલેશન હેઠળ દર્દીને ઘરે જ રહીને સારવાર કરીએ તો પણ સારું થઈ જાય છે

એટલે લોકોએ આમ-તેમ દોડાદોડી કરવાની જરૂર નથી, કોરોના પોઝિટીવ આવે એટલે દર્દીએ ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ ઘરે રહી પોઝિટીવ એક્ટિવિટી દ્વારા સમય પસાર કરવો જોઈએ. આઈએમએના હોદ્દેદારોએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તમામ અપીલને તાત્કાલિક પ્રતિસાદ આપતાં રાજકોટના તબીબો દ્વારા કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, વેક્સિનેશન કેમ્પ, ટેલી મેડિસીન, સરકારી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા સહિત

તમામ પ્રકારે સાથ-સહકાર આપવામાં આવી રહ્યો છે. રાજકોટ આઈએમએ દ્વારા થઈ રહેલી આવકારદાયક કામગીરીના મુખ્યમંત્રીએ પણ વખાણ કર્યા હતા અને ગુજરાતના તમામ તબીબી સંગઠનોને તેમાંથી શીખ મેળવવા અપીલ કરી હતી. હાલ રાજકોટના 15 સિનિયર તબીબોની કોર ટીમ દ્વારા સતત કોરોના મહામારીની સારવાર અને તેની વ્યવસ્થા માટે ધ્યાન રાખવામાં આવી રહી છે.

આ કોર ટીમ દરરોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની પરિસ્થિતિ વિશે ચર્ચા-વિચારણા કરે છે અને સરકાર સાથે સંકલન કરી જરૂરી તમામ સવલતો ઉભી કરી રહ્યા છે તેમ એસો.ના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પેથોલોજીસ્ટ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું. દરમિયાન આઈએમએના પૂર્વ પ્રમુખ ડો.જય ધીરવાણીએ જણાવ્યું કે ગત માર્ચ માસમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અમારી તબીબોની ટીમ સતત સરકાર સાથે સંકલન કરી લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

હાલ ડો.જય ધીરવાણી અને ડો.રૂકેશ ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ નર્સિંગ, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 85 જેટલા લોકો છેલ્લા 13 કરતાં વધુ દિવસથી વેકિસનેશન ડ્રાઈવમાં માનદ સેવા આપી રહ્યા છે. સરરકારની અપીલના પ્રતિસાદમાં 37 હોસ્પિટલોમાં આઈએમએ દ્વારા 600 બેડ ઉપલબ્ધ કરાવ્યા છે તો ગુજરાતમાં સૌપ્રથમ બાળ દર્દી માટે આઈસીયુની 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

હાલ આઈએમએના તબીબો સમરસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ સેન્ટરમાં નિયમિત રીતે વિનામૂલ્યે સારવાર આપી રહ્યા છે તેમ આઈએમએ-રાજકોટ પ્રમુખ અને જાણીતા ગેસ્ટ્રો એન્ટોલોજીસ્ટ ડો.પ્રફુલ કામાણી, સેક્રેટરી અને જાણીતા રેડિયોલોજીસ્ટ ડો.દુષ્યંત ગોંડલીયા, રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા સહિતનાએ જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો