ઓક્સિજન સિલિન્ડરની અછત? : અમદાવાદ-સુરતથી લોકો ઓક્સિજન સિલિન્ડર લેવા માટે રાજકોટ આવી રહ્યા છે, પરંતુ અહીં પણ વેઈટિંગ છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા છે. ખાલી સિલિન્ડર અમદાવાદ, મુંબઈ, ભાવનગર અને સુરેન્દ્રનગરથી મગાવવા પડી રહ્યા છે. જેનો ઓર્ડર લખાવ્યા બાદ બે મહિને ડિલિવરી મળશે. ખાલી બોટલમાં ઓક્સિજન ભરાવવા માટે લોકો સીધા ઓક્સિજન યુનિટ પર જ પહોંચવા લાગ્યા છે. જેને કારણે ત્યાં પણ લાંબી કતાર જોવા મળે છે. ખાલી બોટલમાં ઓક્સિજન રીફિલિંગ કરાવવા 8-8 કલાકની રાહ જોવી પડે છે. અમદાવાદ, સુરતના લોકો પણ ઓક્સિજન સિલિન્ડર લેવા માટે રાજકોટ આવી રહ્યા છે. દર્દીને ઝડપથી ઓક્સિજન મળી જાય તે માટે સ્વજનો ખુદ પોતે ટુ વ્હિલરમાં બેસીને લેવા માટે નીકળી પડે છે. હાલ રાજકોટમાં 100 થી વધુ દર્દીઓ ઓક્સિજન મેળવવાની રાહમાં છે અને પ્રાણવાયુ નહીં મળવાથી દર્દીઓના શ્વાસ રૂંધાઈ રહ્યા છે.

ઓક્સિજનનો વપરાશ વધ્યો

ઓક્સિજન સપ્લાયર વિજયભાઈએ જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલમાં જ ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. અત્યારે રોજના 5 હજાર સિલિન્ડરની જરૂરિયાત છે. ઓક્સિજનની ખાલી બોટલ મેળવવામાં 3 મહિનાનું વેઈટિંગ છે. જેમને જરૂરિયાત છે તે ભાડેથી પણ લઈ જાય છે અને વેચાતો પણ લઈ જાય છે. 1.5 ક્યુબિક મીટર ઓક્સિજન સિલિન્ડરનો હાલનો ભાવ રૂ.143 છે. જેમાં 18 ટકા જીએસટી લાગે છે. આ સિવાય 7 ક્યુબિક મીટર ઓક્સિજન સિલિન્ડરનો ભાવ રૂ. 250 છે. 18 ટકા જીએસટી અલગથી વસૂલવામાં આવે છે. હાલ અત્યારે ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે પરંતુ તેને ટેસ્ટિંગ કરાવવાનો સમય પણ નથી મળતો. પહેલા રીફિલિંગ એક કલાકમાં થઇ જતું હતું તેના બદલે હવે 8-8 કલાકનો સમય લાગે છે.

ભાડે મેળવવા માટે સવારથી જ લાઈન લાગી જાય છે: રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન સિલિન્ડર ભાડે આપવામાં આવી રહ્યા છે.જ્યાં ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે સવારથી જ લોકોની લાઈન લાગે છે અને રાત્રિના સમયે પણ લોકો આવે છે. ધુળેટીના બીજા દિવસથી આવી ઓક્સિજનની તંગી સર્જાઈ હોવાનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય જણાવે છે. સોમવારે આખો દિવસ ખાલી સિલિન્ડર નહિ આવતા ઓક્સિજન લેવા આવનારને ખાલી હાથે મોકલવા પડ્યા હતા.

11 હજાર સુધીનો ભાવ વસૂલાય છે

રાજકોટમાં અલગ અલગ સંસ્થા અને ઓક્સિજન સપ્લાયર ઓક્સિજનના સિલિન્ડર ભાડે આપી રહી છે. લોકો સમયસર ખાલી સિલિન્ડર આપી જાય અને બીજા દર્દીને મુશ્કેલી ન પડે તે માટે ડિપોઝિટ પેટે રૂ. 4 હજારથી લઇને રૂ. 11 હજાર સુધીના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો