કોરોનાનો કહેરઃ કેન્દ્ર સરકારે રેમડેસિવિર ડ્રગના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રેમડેસિવિરના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. તેવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે માંગ જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે જ્યાં સુધી દેશમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રેમડેસિવિરના ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દર્દીઓ તથા હોસ્પિટલોને રેમડેસિવિર ઈન્જેક્શન મળી રહે તે માટે કેન્દ્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો આવ્યો છે જેના કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરીયાત વધી ગઈ છે. કોવિડ-19ના દર્દીઓ માટે હજી પણ ઈન્જેક્શનની માંગમાં વધારો થશે જેના કારણે તેના નિકાસ પર રોક લગાવવામાં આવી છે.

ભારતની સાત કંપનીઓ રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન કરે છે. આ કંપનીઓ દર મહિને 38.80 લાખ યુનિટના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. તમામ ઘરેલું ઉત્પાદકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની વેબસાઈટ પર રેમડેસિવિર ઈન્જેક્શનના સ્ટોક, તેના ડિસ્ટ્રિબ્યુશન વગેરેની જાણકારી ઉપલબ્ધ કરાવે.

રાજ્યોના હેલ્થ સચિવોને ડ્રગ ઈન્સપેક્ટર દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજાર ન થાય તે જોવાનું રહેશે. જરૂર પડે યોગ્ય કાર્યવાહી કરવી પડશે. ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટ ઉત્પાદકોના સંપર્કમાં છે અને રેમડેસિવિરનું ઉત્પાદન વધારેમાં વધારે થાય તે સુનિશ્ચિત કરી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો