સેનિટાઇઝરનું અવળું ગણીત, 1 કેસ હતો ત્યારે 50 હજાર લિટર વેચાતું હવે 150 કેસ છે ત્યારે…

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-03-2021

ગત્ત વર્ષની તુલનાએ અત્યારે માસ્ક અને સેનિટાઇઝર ખુબ જ સસ્તા થઇ રહ્યા છે. જો કે લોકોની બેદરકારી હવે મોંઘી પડી રહી છે. પહેલો કેસ આવ્યો ત્યારે રોજનું 50 હજાર લિટર સેનિટાઇઝરનો ઉપયોગ થતો હતો. જ્યારે હવે રોજના 30 હજાર લિટર સેનિટાઇઝરનો જ ઉપયોગ થાય છે. અગાઉ સેનિટાઇઝર ખુબ જ મોંઘુ હોવા છતા પણ લોકો ધુમ ખરીદી કરતા હતા. જો કે હવે ચોરે ચૌટે સેનિટાઇઝર વેચાઇ રહ્યા હોવા છતા લોકો આ બાબતે ખુબ જ ઉદાસીન છે.

રાજકોટમાં ડ્રગીસ્ટ કેમિસ્ટ એસોસિએશનના આંકડાઓ અનુસાર ગત્ત માર્ચ માસથી લઇને સપ્ટેમ્બર સુધી એક મેડિકલમાંથી રોજનાં 150 કેરબા આવતા હતા. તેમ છતા પણ તે ખુટી પડતા હતા. જો કે હવે માત્ર 15 કેરબા જ વેચાય છે. છેલ્લા ચાર મહિનાઓથી સેનિટાઇઝર અને માસ્ક બંન્નેનો વપરાશમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે મેડિકલમાં 2 લીટર સેનિટાઇઝરની બોટલ ગ્રાહકો પ્રવેશે તે પહેલા ઉપયોગ માટે રાખી છે. જો કે 5 દિવસે પણ તે ખાલી નથી થતી. લોકો અંદર પ્રવેશતા સમયે સેનિટાઇઝરનો ઉપયોગ ટાળે છે. જ્યારે ગત્ત માર્ચ મહિનામાં 5 લિટરની બોટલ આટલા ઓછા સમયમાં વપરાઇ જતી હતી.

ગત્ત માર્ચ મહિનામાં કોરોનાનો એક જ કેસ રાજકોટમાં આવ્યો ત્યારે કોરોનાથી બચવા માટે લોકો માસ્ક 300થી લઇને 500 રૂપિયા સુધીમાં N 95 માસ્કનો ઉપયોગ કરી રહ્યા હતા. જો કે હવે જ્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવી ચુકી છે અને અત્યારે કોઇ પણ પ્રકારનો માસ્ક કે સેનિટાઇઝરનો ખોટો ખર્ચ નથી કરી રહ્યા. એક માસ્ક ધોઇ ધોઇને વાપરી રહ્યા છે. તો બીજી તરફ સેનિટાઇઝર પણ કોઇ દુકાન કે અન્ય મિત્રનું માંગીને ક્યારેક ક્યારેક વાપરી લેતા હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો