મતગણતરી અલગ-અલગ જ થશે: કોંગ્રેસને SCનો પણ ઝટકો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

ગુજરાત કોંગ્રેસ એક દિવસે મતગણતરી કરવાને લઈ લડી લેવાના મૂડમાં હતી. પણ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ કોંગ્રેસની માગ પર પાણી ફેરવી દીધું હતું. ગુજરાત હાઈકોર્ટે એક દિવસ મતગણતરીની અરજી ફગાવી દીધા બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસની આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એનો મતલબ કે આજે 23 ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકા માટે ચૂંટણી ગણતરી થશે.

સોમવારે સુપ્રીમ કોર્ટ અલગ અલગ મતગણતરીની પ્રક્રિયા ઉપર સ્ટે માગતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે. આમ સ્ટે ન આપતા 6 કોર્પોરેશન માટે આજે મંગળવારે મતગણતરી યોજાશે. ગત સપ્તાહે ગુજરાત હાઈકોર્ટે મંગળવારે 6 કોર્પોરેશન માટે મતગણતરી બાદ 28 ફેબ્રુઆરીને રવિવારે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકામાં મતદાન માટે ચૂંટણી વ્યવસ્થાને માન્ય ઠેરવતો ચુકાદો આપ્યો હતો.

કાલે મનપાની, 2 માર્ર્ચે જિ/તા.પં/નપા.ની ગણતરી

ગુજરાતના ચૂંટણી પંચે જાહેર કરેલાં કાર્યક્રમ મુજબ 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે મતદાન થશે અને બીજી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આવી રીતે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતો માટે મતદાન થશે તો મતદાન પર વિપરિત અસર થશે. આ કાર્યક્રમના કારણે સ્વતંત્ર ચૂંટણીપ્રક્રિયા નહીં યોજાઇ તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન યોજાયું હતું. પરંતુ મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો. ચૂંટણી આયોગે રાતે નવ કલાકે છ કોર્પોરેશનમાં સરેરાશ 48% ટકા મતદાન થયાનું જાહેર કર્યુ હતું. મતદાન નવેમ્બર- 2015 કરતાં બે ટકા વધુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો