23મીએ મોટેરા ખાતે લોકાર્પણ થશે વિશ્ર્વનું સૌથી ‘મોટેરું’ ક્રિકેટ સ્ટેડિયમ

રાષ્ટ્રપતિ કોવિંદ અને અમિત શાહ આપશે હાજરી: 24મીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ખેલાશે સૌપ્રથમ ઈન્ટરનેશનલ મેચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2021

અમદાવાદના મોટેરા ખાતે નવા બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી પહેલી ઈન્ટરનેશનલ મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવવા જઈ રહી છે, ત્યારે આ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનો ભવ્ય ભવ્યાતિ ઉદઘાટન કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ સાંજે મોટેરા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે એવી પૂરી શક્યતાઓ છે જેમનો કાર્યક્રમ એક- બે દિવસમાં નક્કી થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ઉદઘાટન કાર્યક્રમ અને મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં લોકોને મુખ્ય ગેટ એટલે સાબરમતી તરફના ગેટથી પ્રવેશ આપવામાં આવશે. બંને ક્રિકેટ ટીમને આશારામ આશ્રમ પાસે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વખતે બનાવેલા વીવીઆઈપી ગેટમાંથી એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે સંગાથ ફ્લેટ પાસેના રોડ પરથી અંદર આવેલા. 23મીએ ઉદઘાટન અને 24મી ફેબ્રુઆરીએ મેચ શરૂ થાય એ પહેલાં સમગ્ર સ્ટેડિયમમાં ડોગ અને બોમ્બ-સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવશે. સ્ટેડિયમમાં સિક્યોરિટીને ધ્યાનમાં રાખી ત્યાં વાહન પાર્કિગ નહિ કરવા દેવામાં આવે. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ વખતે જે રીતે સ્ટેડિયમની આસપાસના સરકારી પ્લોટમાં પાર્કિગ કરવાની વ્યવસ્થા હતી એ જ પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકોએ અડધાથી એક કિલોમીટર ચાલીને આવવાનું રહેશે.

મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને હરાવ્યું છે. સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ અમદાવાદ આવશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.

સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે: મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોના બેસવાની કેપેસિટી છે, પરંતુ કોરોનાને કારણે 50 ટકા એટલે કે 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે: બીસીસીઆઈએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 ટી-20 માટે અમદાવાદ આવશે. ટી-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ રોકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો