CR પાટીલના પ્રહારથી ભાજપની એક આખી કેડર ફ્રી થઈ જશે!

જીલ્લા-તાલુકા પંચાયત નગરપાલીકામાં હવે કોંગ્રેસ-આપનો વિક્લ્પ તલાશતા ભાજપ અગ્રણીઓ : છેલ્લી ઘડીએ માપદંડ જાહેર કરવાનો હેતુ શું? પક્ષમાં જબરી ચર્ચા: ટોચના પદાધિકારીઓ અને પ્રવકતાઓ પણ મૌન બની ગયા : હવે સ્થાનિક ચૂંટણીમાં આંતરિક ભાંગફોડ વધશે: કાર્યકર્તાઓને રાજા ગણવાની ચર્ચા સમયે ઓચિંતા પ્યાદા બનાવી દેવાયા : પેજ સમીતીનો ઉત્સાહ પણ ઓચિંતો ઓસરી ગયો: ભાજપના અનેક ગ્રુપમાં એક જ ચર્ચા: કારણ શું? : પક્ષના મોવડીમંડળ કે સેન્સ લેનાર નિરીક્ષકોને પણ આ નિર્ણયથી અજાણ રખાયા હતા: દાવેદારી ચકાસાઈ તે પુર્વે જ અનેક કપાઈ ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-02-2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠકો ગઈકાલથી શરુ થઈ છે તે પુર્વે જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનક જ દાવેદારો અને ઉમેદવારો માટે જે માપદંડ જાહેર કર્યા તેનાથી ફકત મહાનગરો જ નહી. જીલ્લા તાલુકા પંચાયત અને નગરપાલીકામાં પણ પક્ષમાં જોરદાર પડઘા પડયા છે અને અહી જે લોકો ટીકીટના અપેક્ષિત હતા તેવા લોકો પણ હવે ટિકીટથી વંચિત રહી જાય તો તેઓ કોંગ્રેસ કે આમઆદમીમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોય તેવા સંકેત મળી ગયા છે અને ગઈકાલથી જ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલીકાઓમાં રાજકીય આગેવાનોની બેઠક શરુ થઈ ગઈ છે અને જરૂર પડે તો નગરપાલીકામાં નાગરિક સમીતીના નામે પણ ચૂંટણી લડવાની તૈયારી હોવાનું માનવામાં આવે છે તો બીજી તરફ પક્ષાંતર કરવા માંગતા નથી તેઓ પક્ષમાં જ સેબોટેડ કરે તેવી શકયતા પણ નકારાતી નથી.

રાજયમાં લાંબા સમયથી ચૂંટણીઓ નિશ્ચિત  હતી અને સેન્સનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો હતો તે સમયે અને ખુદ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ પ્રવાસ પર હતા તે સમયે પણ આ માપદંડો અંગે કોઈ સંકેત અપાયો નહી અને સેન્સ લેવા આવનાર નિરીક્ષકો પણ અજાણ હતા તે વચ્ચે ઓચિંતી જ પાર્લીયામેન્ટ્રી બોર્ડના કલાક પુર્વે આ માપદંડો જાહેર કરીને ભાજપમાં બોમ્બ ફેકાયો હોય તેવી ધ્રુજારી ફેલાઈ ગઈ છે અને સીનીયર-જુનીયર જે કાંઈ દાવેદાર હતા તે તમામ પોતે કયાં માપદંડમાંથી બચે છે અથવા કેમા આવે છે તે ચકાસવાનું શરુ કરી દીધુ હતું અને કેટલાકે તો સોશ્યલ મીડીયા પર હું હજુ 25 વર્ષ કે 30 વર્ષનો તેવા મેસેજને મુકીને રસપ્રદ સ્થિતિ સર્જી છે. ભાજપના પ્રદેશના કોઈ હોદેદારો કે પ્રવકતાઓને પણ આ પ્રકારના માપદંડની જાણ ન હતી અને તેથી તેઓ પણ આ પ્રકારના માપદંડ જાહેર કરવા પાછળનો અને તે પણ આખરી ઘડીએ જાહેર કરવા પાછળનો તર્ક સમજી શકતા નથી. ભાજપના પ્રદેશના કોઈ હોદેદારોએ આ માપદંડ અંગે પ્રતિભાવ આપવાનું ટાળ્યું છે.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાઓમાં પક્ષની ભેદરેખા અત્યંત પાતળી હોય છે અને છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારના અનેક પક્ષાંતરો થયા છે. ગ્રામીણ ક્ષેત્રનું રાજકારણ મહાનગરો કરતા અલગ હોય છે અને ત્યાં વ્યક્તિગત સંબંધો અને વ્યક્તિગત વર્ચસ્વ વધુ ભૂમિકા ભજવતા હોય છે જેથી આ માપદંડથી રહી ગયેલા લોકોની ભૂમિકા શું હશે તે અંગે પણ ભાજપમાં ચર્ચા છે અને નવા સમીકરણો બને તેવી શકયતા પણ નકારાતી નથી. પક્ષની ચર્ચા મુજબ ચાર-પાંચ ટર્મ સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ મોટી વાત નથી. યુવા બ્રિગેડને સ્થાન મળવું જોઈએ તેનો ઈન્કાર નથી પરંતુ દરેક સમયે હાઈબ્રીડ મોડેલ તૈયાર કરવામાં આવે છે જેમાં પીઢ અને નવોદીતો આ બન્ને હોય છે અને આ પ્રકારે પછી એક કેડર બનતી રહે છે. ભાજપની આ પ્રણાલીકા છે પરંતુ પાટીલના પ્રહારથી એક આખી કેડરજ ફ્રી થઈ ગઈ છે તેઓએ પાટીલની સૂચના મુજબ પેજ સમીતીથી અનેક પ્રક્રિયા પુરી પણ કરી નાંખી હતી અને હોશે હોશે ફોટા પણ પડાવી લીધા હતા હવે તેઓ પોતાના જ વોર્ડમાં નીકળી ન શકે તેવી સ્થિતિ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો