ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-01-2021

ગુજરાતમાં આગામી બે દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીની અસર ઘટશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ગુજરાતમાં રર થી ૩૧ મી જાન્યુઆરી સુધી ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ પંથકમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. આ વિસ્તારના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ૮ ડીગ્રીથી પણ નીચે ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત્ છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં રવિવાર સુધી ઠંડીનું જોર રહેશે.

ખાનગી સંસ્થા અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીની શરૃઆતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરિય પર્વતિય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તરપ્રદેશથી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે. જેથી તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. બાદમાં તા. ૮ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવશે અને વાદોદ વિખેરાતા ફેબ્રુઆરી માસમાં પણ કાતિલ ઠંડીને વેગ મળી શકે છે. ખેડૂતોને એલર્ટ કરવા અંગે તેમણે જણાવ્યું છે કે ઠંડીની શક્યતાઓમાં ઊભા કૃષિ પાકોમાં હિમ પડવાની શક્યતાઓ રહેલી હોવાથી પિયત વ્યાપક પ્રમાણમાં કરવું હિતાવહ રહેશે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. હજુ આગામી બે દિવસ કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે કચ્છના નલિયામાં ૪.૩ ડીગ્રી લઘુત્તમ તાપમાન રહેતા સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ બે ડીગ્રી જેટલો જેટલો પારો ગગડતા લઘુત્તમ તાપમાન ૬.૮ ડીગ્રી નોંધાયું હતું, જે છેલ્લા કેટલાક વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનું અનુમાન હવામાન નિષ્ણાતો લગાવી રહ્યા છે. આ સિવાય બનાસકાંઠાના ડીસામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ૭.૯ ડીગ્રી નોંધાતા હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદ શહેરમાં ગુરુવારે એક ડીગ્રી જેટલો પારો ઊંચકાયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૧.ર ડીગ્રી નોંધાયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો