કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી : રિલાયન્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-1-2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી નવા કૃષિ કાયદા અંગે અનેક અફવાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે તે ખેડૂતો પાસેથી અનાજની સીધી ખરીદી નથી કરતી અને ભવિષ્યમાં પણ નહીં ખરીદે. કંપનીએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પણ કોઈ યોજના નથી.

પંજાબમાં રિલાયન્સ જિયો વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન મામલે રિલાયન્સ તરફથી ખેડૂતો સામે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી ચોથી જાન્યુઆરીના રોજ કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીનની ખરીદી કરી નથી. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જમીન ખરીદવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. કંપનીએ કહ્યું છે કે તેમનો ઇરાદો ખેડૂતોને વધારે તાકાતવાર બનાવવાનો છે.

RIL તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ખેડૂતો અને સપ્લાયર્સ પાસેથી સામાનની સીધી ખરીદી પણ કરતી નથી. કંપની ખેડૂતો પાસેથી ફક્ત મિનિમમ સપોર્ટ પ્રાઇસ (ટેકાના ભાવે) જ ખરીદી કરે છે.

કંપની તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે અમારો એવો આગ્રહ રહેશે કે અમારા સપ્લાયર્સ હાલની ટેકાના ભાવની વ્યવસ્થાને વળગી રહે. એટલું જ નહીં, ભવિષ્યમાં સરકાર આ માટે જે પણ વ્યવસ્થા લાગૂ કરે તેને પણ ચુસ્ત રીતે અનુસરે.

રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી ખોટો ફાયદો ઉઠાવવા માટે લાંબા સમયના કોન્ટ્રાક્ટ કર્યાં નથી અને તેમના સપ્લાયર્સ પણ નક્કી કરવામાં આવેલી કિંમત કરતા ઓછા ભાવે ખરીદી ન કરે તે સુનિશ્ચિત કરે છે. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં.

સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સબ્સિડિયરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL) તરફથી આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ અને કંપનીની સંપત્તિમાં તોડફોડને રોકવા માટે સરકાર તાત્કાલિક દખલગીરી કરે તેવી માંગણી કરી છે. આવી પ્રવૃત્તિને કારણે બંને રાજ્યમાં કંપનીના હજારો કર્મચારીઓની જિંદગી જોખમમાં મૂકાઈ છે. એટલું જ નહીં, અસરને પગલે કોમ્યુનિકેશનમાં અનેક મુશ્કેલી પડી રહી છે. કંપનીના આઉટલેટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેલ્સ, સર્વિસને પણ અસર પહોંચી છે.

રિલાયન્સ રિટેલ (Reliance Retail) દેશના સંગઠિત રિટેલ બજારની સૌથી અગ્રણી કંપની છે. તમામ પ્રકારના રિટેલ પ્રોડક્ટ્સમાં અનાજ, ફળ, શાકભાજી સહિત દરરોજમાં ઉપયોગમાં લેવામાં આવતા અનેક ઉત્પાદન શામેલ છે. આ તમામ ઉત્પાદન સ્વતંત્ર ઉત્પાદકો અને સપ્લાયર્સના માધ્યમથી આવે છે.

રિલાયન્સને દેશના તમામ ખેડૂતો પ્રત્યે આદર ભાવ છે. આ એ ખેડૂતો છે જે દેશની 1.3 અબજની વસ્તીના ‘અન્નાદાતા’ છે. રિલાયન્સ અને તેની સહાયક કંપનીઓ ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. કંપની ભારતીય ખેડૂતો સાથે સમૃદ્ધિ, સમાવેશી વિકાસ અને નવા ભારત માટે મજબૂત ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે.

કંપનીએ કહ્યું છે કે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યા વગર કંપનીના અનેક એવા કામ છે, જેનાથી ખેડૂતોની સાથે સાથે સામાન્ય લોકોને પણ લાભ મળ્યો છે. કંપનીએ કહ્યું કે…

1) રિલાયન્સ રિટેલે આધુનિક ટેક્નિક અને મજબૂત સપ્લાય ચેનની મદદથી દેશનો સૌથી મોટો સંગઠિત રિટેલ બિઝનેસ ઊભો કર્યો છે. જેનાથી ભારતીય ખેડૂતો અને ગ્રાહકોને લાભ મળ્યો છે.

2) જિયોના 4જી ડેટાની પહોંચ દેશના દરેક ગામ સુધી છે. ભારતમાં ડેટા ખર્ચ દુનિયાભરની સરખામણીમાં ખૂબ સસ્તો છે. ચાર વર્ષના ટૂંકા સમયમાં જિયો પાસે આશરે 40 કરોડ ગ્રાહક છે. 31 ઓક્ટોબર, 2020 સુધી જિયો પાસે 1.40 કરોડ સબ્સક્રાઇબર્સ પંજાબમાં અને 94 લાખ હરિયાણામાં છે. બંને રાજ્યમાં કુલ સબ્સક્રાઇબર્સમાં આ ભાગીદારી ક્રમશ: 36 અને 34 ટકા છે.

3) કોવિડ-19 મહામારી દરમિયાન કરોડો ગ્રાહકો માટે જિયો નેટવર્કે એક લાઇફલાઇન તરીકે કામ કર્યું છે. જિયો નેટવર્કના માધ્યમથી ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો ડિજિટલ કૉમર્સમાં ભાગીદાર બન્યા છે. જિયોને કારણે ધંધાદારીઓ ઘરેથી કામ કરવા માટે સક્ષમ બન્યા છે. વિદ્યાર્થીઓએ પણ ઘર બેઠા અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો, ડૉક્ટર્સ, દર્દી, કોર્ટથી લઈને વિવિધ સરકારી અને ખાનગી ઑફિસોને મદદ મળી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63