કોરોના અપડેટ: આરોગ્ય કમિશનરનો ડોર ટુ ડોર સર્વે કરવાનો આદેશ: વિદેશીઓને અપાશે અગ્રીમતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 23-3, ગુજરાતમાં કોરોના વાયરસ પોતાની અસલી તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. ત્યારે રાજ્યમાં હાઉસ ટુ હાઉસ સરવે કરવા આરોગ્ય કમિશનરના આદેશ આપી દીધો છે. આરોગ્ય કમિશનરે તમામ ક્લેક્ટર, મ્યુ.કમિશનર, DDOને હાઉસ ટુ હાઉસ સરવે કરવા માટે આદેશ આપી દીધા છે. જેમાં વિદેશથી આવેલા વ્યક્તિઓને અગ્રતા આપવાની રહેશે, પછી તમામ વસ્તીનો સરવે હાથ ધરવાનો રહેશે.   આરોગ્ય કમિશનરે કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા જોતા વિદેશથી આવેલા લોકોની યાદી જિલ્લા ડેશબોર્ડને મોકલી દીધી છે. જેના થકી હવે દરેક જિ.આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર પોતાની રીતે પ્લાનિંગ કરશે. જેમાં 2 વ્યક્તિઓની ટીમ બનાવીને દરેક એરિયામાં સરવે કરવાનો રહેશે. તેમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉપયોગ કરી શકાશે. શિક્ષણ સ્ટાફ, આંગણવાડી વિભાગના કર્મીનો ઉપયોગ કરી શકાશે.   રાજ્યમાં કોરોના વાયરસને પગલે હવે રાજ્ય સરકારે ડોર ટુ ડોર સર્વે કરવાનો આદેશ કર્યો છે. આ સર્વે 4 દિવસમાં પૂરો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સોમવાર તારીખ 23 માર્ચથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે.   આરોગ્ય વિભાગના આદેશમાં જણાવાયું છે કે, તમામ જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા સર્વે માટે માઈક્રો પ્લાનિંગ કરવાનું રહેશે. સર્વેમાં બે વ્યક્તિઓની ટીમ રાખવાની રહેશે, જેમાં એક કર્મચારી પેરામેડિકલ સ્ટાફ અને એક કર્મચારી નોન પેરા મેડિકલ સ્ટાફ રાખવાનો રહેશે. પેરામેડિકલ સ્ટાફમાં FHW, MPHW તથા આશા બહેનોનો સમાવેશ થાય છે, નોન પેરામેડિકલ સ્ટાફમાં શિક્ષણ સ્ટાફ, આંગણવાડી કાર્યકર કે અન્ય વિભાગના કર્મચારીને રાખવાના રહેશે.   આ સર્વે દરમિયાન મળેલા શંકાસ્પદ કેસોને મેડિકલ ઓફિસર દ્વારા ઓપીડી મોડ્યુલમાં એન્ટ્રી કરવાનું પણ કહેવાયું છે. આ સર્વે અંતર્ગત તમામ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર હેલ્થ દ્વારા સઘન સુપરવિઝન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.