મોરબી : અનેક રજૂઆતો છતાં સમારકામ ન થયું, અંતે 40 ગામોને જોડતો પુલ ધરાશાયી થયો

મોરબીનાં આમરણથી પીપળિયા વચ્ચેનો પુલ ધરાશયી થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)તા. 17, મોરબીનાં આમરણથી પીપળિયા વચ્ચેનો પુલ ધરાશયી થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ. આ પુલ તૂટતા 40 ગામોને જોડતો વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકોને કેટલાય કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. માળિયાથી જામનગર જતો આ એક જ રસ્તો છે. આ પુલ તૂટતા રસ્તાની બન્ને બાજુ વાહનોની લાઇન લાગી છે. જામનગરથી કચ્છ જતી આ પુલ તૂટવાને કારણે 70 કિમી વધારે ફરીને જવું પડશે. જોકે, આ આમરણ ગામ મોરબી જીલ્લો બન્યા પહેલા જામનગર જિલ્લામાં આવતું હોવાથી જામનગરનાં કાર્યપાલક ઈજનેર જતીન ઓઝા સહિતની ટીમ આ પુલ પર આવી પહોચી હતી. પુલનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ પુલ રાજશાહી વખતનો હોવાનું જણાવ્યું હતું. સાથે જ બાજુમાં હાલ પૂરતો ડાયલર્ઝન કાઢવાની કાર્યવાહી શરૂ કરાઇ છે જે ઝડપથી પૂર્ણ થઈ જશે તેવું જણાવાયું હતું. આ ઘટના બાદ ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમે વરસાદ બાદ જર્જરિત પુલ અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. અમારું કોઈ સાંભળતું નથી. જેના કારણે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. હવે અમને ઘણી જ હાલાકીનો સામનો કરવો પડશે. અમારે ગામમાંથી અન્ય જગ્યાએ જવાનો રસ્તો જ તૂટી ગયો છે. એટલે અમારે ફરી ફરીને બીજા ગામે જવું પડશે. માળીયાથી જામનગર જતો એક જ રસ્તો છે જે રસ્તા પરનો પુલ ધરાશાયી થતા વાહનોનાં થપ્પા લાગ્યા છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાની થતા બચી છે. આ સાથે તેની આસપાસનાં બે અન્ય પુલો પણ બિસ્માર હાલતમાં છે પરંતુ તે સામે પણ તંત્ર કોઇ કામ કરી નથી રહ્યું. આમાં જે પણ અધિકારીઓ બ્લેક લિસ્ટમાં આવતા હોય તેમની પર પણ કાર્યવાહી થવી જોઇએ.