17 જૂને તમામ ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલ : માત્ર ઇમર્જન્સી સેવા જ ચાલુ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ઈન્ડિયન મેડિકલ એસોશિએશને (IMA) શુક્રવારે જાહેરાત કરી કે 17 જૂનના રોજ આખા દેશનાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. IMAએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકતામાં મેડિલકના વિદ્યાર્થીઓ ખુબ ડરેલા છે.આગળ કહ્યું કે, રસ્તા પર હિંસા શરૂ થઈ ગઈ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે રહે. અમે ઈચ્છીએ છીએ કે કોલકતામાં જે હિંસા થઈ એનાં આરોપીઓને મોટી સજા કરવામા આવે. દવાખાનામાં હિંસા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.આગળ IMAએ કહ્યું કે અમે ઘોષણા કરીએ છીએ કે, 17 જુને આખા દેશમાં ડોક્ટરો હડતાળ પર રહેશે અને માત્ર ઈમરજન્સી સુવિધાઓ જ ચાલુ રહેશે. ડોક્ટરોની હડતાળ શનિવારે પણ ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કહ્યું કે, તે તરત જ હડતાળ કરી રહેલાં ડોક્ટરો સાથે વાતચીત કરે અને મામલાનો ઉકેલ લાવે. એટલું જ નહીં, હાઈકોર્ટે મમતા સરકારને પુછ્યું છે કે, તેઓએ ડોક્ટરોની સુરક્ષા માટે કયા પગલાં ભર્યા છે. જણાવી દઈએ કે, એક જુનિયર ડોક્ટર સાથે થયેલી મારપીટ બાદ રાજ્યભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.