સોમનાથ જાવ છો ? દરિયામાં નહાવા નહીં મળે, આ છે કારણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રદ્ધાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. ખાસ કરીને દરિયાકિનારે આવેલું હોવાને કારણે આ મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં અદભૂત આનંદ આવે છે. એક તરફ ભગવાન શિવના ચરણ પખાળતો અરબી સમુદ્ર અને બીજી તરફ મંદિરનું શુદ્ધ પવિત્ર વાતાવરણ માનસિક શાંતિ આપે છે. સાથે જ સોમનાથના દરિયામાં નહાવાની મજા પણ દર્શનાર્થીઓ માણતા હોય છે.

જો કે હવે સોમનાથના દરિયામાં કોઈ પણ ભક્તો કે પ્રવાસીઓ નહાઈ શક્શે નહીં. તાજેતરમાં જ સોમનાથના દરિયામાં નહાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે હવે જો તમે પણ સોમનાથના દર્શને જતા હો, અને દરિયામાં નહાવાનું આયોજન હોય તો તમારો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થાય. કારણ કે તંત્ર દ્વારા સોમનાથના દરિયાકિનારે નહાવા માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે. જેનું મુખ્ય કારણ એ છે કે અહીં આવતા મોટા ભાગના લોકો પ્રવાસી હોય છે, જેમને દરિયાકિનારાની ભૌગોલિક પરિસ્થિતિની જાણ નથી હોતી, પરિણામે લોકોના ડૂબી જવાના બનાવ બને છે.

સોમનાથનો દરિયા કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય છે, પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુ જ મોટા વજનદાર ખડકાળ પથ્થરો છે. જેથી સમુદ્રમાં ન્હાવા જતા અને પગ પખાળતા દર્શનાર્થી કે પ્રવાસીઓ સહેલાઇથી બહાર આવી શકતા નથી. આ ઉપરાંત અહીંના દરિયામાં કરંટ પણ જોવા મળે છે. સાથે જ હાલ સોમનાથના દરિયા કિનારે નવી ચોપાટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અહીં પત્થરો મોટી સંખ્યામાં છે. આ પત્થરોને લીધે કોઇપણ વ્યક્તિ તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડૂબી જાય તેવી શક્યતાઓ રહે છે. એટલે જ સોમનાથના દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.