મલ્ટીપ્લેકસ લાંબા સમય બાદ અનલોક : જુલાઇથી ગંગુબાઇ કાઠીયાવાડી સહિતની ફિલ્મો રિલીઝની લાઇનમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

છેલ્લા દોઢ વર્ષમાં ભારતીય સિનેમા ઉદ્યોગોએ સૌથી લાંબો ઇન્ટરવલ જોયો છે પણ હવે પોપકોર્ન મઘ્યાંતરની જ આશા

દેશમાં કોરોના સંક્રમણ ઘટતા હવે બધુ ઓપનઅપ થઇ રહ્યું છે અને તે વચ્ચે ફરી એક વખત મલ્ટી પ્લેકસ સહિતના સિનેમાઘરોને પણ પરિસ્થિતિ યથાવત થવાની શકયતા છે. આ વચ્ચે મુંબઇમાં લેવલ-2નું લોકડાઉન હોવાના કારણે અહીંના મલ્ટી પ્લેકસ સહિતના સિનેમાઘરોને 50 ટકા કેપેસીટી સાથે ખોલવાની મંજૂરી આપી છે. ફકત મુંબઇ જ નહી પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ આ પ્રકારે મંજૂરી છે અને ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતની ટેરેટરીમાં પણ તબક્કાવાર આ માસના અંત સુધીમાં સિનેમાઘરો કમ સે કમ 50 ટકાની કેપેસીટી સાથે ખુલી જશે તેવી આશા રાખવામાં આવે છે.

પરંતુ ચિંતા એ છે કે પ્રેક્ષકો હજુ ફિલ્મ જોવા જવા માટે હિમ્મત કરશે? ગત વખતે જયારે પ્રથમ લહેર બાદ સિનેમાઘરો ખુલ્યા ત્યારે માંડ પ થી 10 ટકા પ્રેક્ષકો આવ્યા હતા અને ફરી એકવખત કોરોનાનું સંક્રમણ થતાં નવા નિયંત્રણો લાગુ થઇ ગયા. હાલ દેશમાં કોરોનાની સ્થિતિ વધુ સારી છે તે નિશ્ર્ચિત છે અને ત્રીજી લહેરની જે શકયતા છે તે પણ હજુ કદાચ સપ્ટેમ્બર, ઓકટોબર પછી આવે અને ત્યાં સુધીમાં દેશમાં વેકસીનેશન પણ ઘણુ આગળ વધી ગયુ હશે. પ્રથમ લહેર બાદ કોઇ ભાગ્યે જ મોટી ફિલ્મો રિલીઝ કરવાનું સાહસ નિર્માતા- નિર્દેશકોએ કર્યુ હતું અને બાગી-થ્રી ઉપરાંત થપ્પડ, શુભમંગલમ જયાદા સાવધાન સહિતની ફિલ્મો રિલીઝ થઇ પરંતુ એક જ પખવાડીયામાં ફરી એક વખત સરકારી આદેશ આવી જતાં સિનેમાઘરો બંધ કરવાની ફરજ પડી હતી.

હવે જયારે ઓપનઅપની તૈયારી છે તે સમયે બોલીવુડમાં ખાન ફિલ્મમાં રાધેને ઓટીટી પર રિલીઝ કરીને ઇદનું મુર્હુત સાચવી લેવામાં આવ્યુ હતું અને ટેલીવિઝન સ્ક્રીન પર પણ પેઇડ ધોરણે આ ફિલ્મ આવી રહી છે અને જે રીતે ફિલ્મને નબળો પ્રતિસાદ મળ્યો તે જોતાં હવે તાત્કાલીક તેને સિનેમાઘરમાં રિલીઝ કરવાની શકયતા ઓછી છે. જો કે તેમ છતાં રેડ્ડી ટુ રિલીઝ ફિલ્મમાં સૌથી વધુ આકર્ષણ ધરાવે તેવી ફિલ્મ આલીયા ભટ્ટની ગંગુબાઇ કાઠીયાવાડી છે જેની ઓરીજનલ રિલીઝ ડેટ જુલાઇ માસમાં છે. કોરોનાના કારણે તેનું શૂટીંગ થોડુ ધીમુ પડી ગયુ હતું. પરંતુ હવે લગભગ શૂટીંગ પુરૂ થઇ ગયુ છે અને તે પછી ચાલુ માસમાં બધી પરિસ્થિતિ શાંત થઇ જાય અને કોરોના પૂરેપૂરો ચાલ્યો ગયો છે તેવો વિશ્ર્વાસ થાય તે પછી ગંગુબાઇ બીગ સ્ક્રીન પર આવશે તેમ માનવામાં આવશે.

જો કે તેમ છતાં અનેક સ્મોલ બજેટ ફિલ્મો તૈયાર છે જેમાં બે આર્મી સ્ટોરી પરની ફિલ્મ છે. 2008ના મુંબઇ હુમલા સમયે શહિદ બનનાર મેજર સંદિપ ઉન્નીક્રિષ્નની જીવનકથા ફિલ્મ મેજર રિલીઝ થવા માટે તૈયાર છે. ઉપરાંત ભારતીય સેનમાં ઇતિહાસ સર્જી ગયેલા ફિલ્ડમાર્શલ શામ માણેકશાના જીવનપરની ફિલ્મ શામ બહાદુર પણ તૈયાર છે. મેઘના ગુલઝારની આ ફિલ્મમાં રિયલ લાઇફ સુપરહિરોની કથા છે. તો વધુ એક આર્મી ફિલ્મ શેરશાહ આવી રહી છે અને તે ફિલ્મ કારગીલના હિરો અને પરમવિર ચક્રવિજેતા મેજર વિક્રમ બત્રાના સાહસ ઉપરની છે. બોલીવુડને કદાચ નવી સ્ટોરીઓ પણ ભારતીય સૈન્યના હિરો વધુ મદદરૂપ બની રહ્યા છે. ભારતીય આર્મીના લેફટેનન્ટ અરૂણ ક્ષેત્રપાલ પરની ફિલ્મ ઇક્કીસ પણ આવી રહી છે.

જેમાં વરૂણ ધવન મુખ્ય ભૂમીકામાં છે અને અજય દેવગનની ફિલ્મ ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પણ રિલીઝ થવા તૈયાર છે. જેમાં ભૂજની મહિલાઓએ 1971ના ભારત-પાક યુઘ્ધમાં જે રીતે પાકિસ્તાની બોમ્બ મારા વચ્ચે રન-વે તૈયાર કર્યો હતો તેના પરની આ ફિલ્મ છે. તો હવાઇ દળના મહિલા પાયલોટના જીવન પર તેજસ ફિલ્મ આવી રહી છે અને તે પણ વર્ષના અંત સુધીમાં સ્ક્રીન પર આવી જશે. જો કે કોમર્શીયલ સિનેમાની વાત કરીએ તો દક્ષિણની ફિલ્મ થાલાવી કે જે રજનીકાંતની ભૂમિકા છે તે ઉપરાંત સત્યમેવ જયતે-2 અને તૂફાન પણ આગામી દિવસોમાં આવશે. તેવા સંકેત છે પણ શરત એ છે કે કોરોના હવે શાંત રહેવો જોઇએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો