ગુજરાતની 16 હજાર ખાનગી શાળાઓના 50 લાખ છાત્રો રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં થશે સહભાગી

તા.22ના 12-39 મિનીટે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સામુહિક આરતી અને હનુમાન ચાલીસાના પાઠ થશે: વિદ્યાર્થીઓને રામાયણથી માહિતગાર કરાશે

અયોધ્યામાં આગામી તા.22મી જાન્યુઆરીના આયોજિત કરાયેલ ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ભારત વર્ષ જોડાઈ રહ્યું છે. ત્યારે રાજકોટ સહિત રાજયભરની 16 હજાર ખાનગી શાળાઓના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થશે.

આ અંગે રાજયના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા તથા સંયોજક મનહરભાઈ રાઠોડ એ જણાવ્યું છે કે, રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા અનોખી રીતે વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરાયેલ છે.આ પ્રસંગે તમામ શૈક્ષણિક સંસ્થાઓ રામમય બની જશે.

રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની શાળા ઓમાં ઉજવણી થાય તે માટે સુશોભન કરવા, રંગોળીઓ કરી દિપક પ્રગટાવવા, તેમજ ભગવાન રામચંદ્રજીના ફોટા -પ્રતિમા સાથે આરતી કરી ઉજવણી કરવા અનુરોધ કરાયેલ છે.

આ માટે સવારે 11.45 થી 12.45 વચ્ચે તમામ શાળાઓમાં એક સાથે વિજય મુર્હુત 12.39 મિનિટે સામૂહિક આરતી અને હનુમાન ચાલીસાના પાઠ દ્વારા ઉજવણી થાય અને મેરી ઝોપડી કે ભાગ આજે ખુલ જાયેગે રામ આયેંગે જેવા પ્રસિદ્ધ ગીતો અને ભજનોનું સમૂહ ગાન થાય તેવું આયોજન કરવા તમામ શાળાઓને સુચન કરવામાં આવ્યું છે.

તમામ શાળાઓના સંચાલકોને શાળા કક્ષાએ યોગ્ય ઈચ્છા મુજબ, પ્રસંગ અનુરૂપ ઉજવણી કરવા માટે મહામંડળ દ્વારા સ્વતંત્રતા આપવામાં આવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના ઘરે સાંજે દિવાળી માફક દીપક પ્રગટાવી ઉજવણી કરે તેવી સમજ આપવા પણ શાળાઓ શિક્ષકો અને આચાર્યોને સુચન કરવામાં આવેલ છે. આમ આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણને ઉજવી ભારત અને ગુજરાતની ભાવિ પેઢી પણ આ ક્ષણમાં જોડાય તેવું આયોજન કરવામાં આવેલ છે.