અર્વાચીન દાંડિયા રાસમાં ખેલૈયાના આધારકાર્ડ ફરજિયાત

રાસોત્સવ ખાતે પાર્કિંગ અને ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા રાખવા પોલીસ કમિશનરનો આદેશ, તમામ રાસોત્સવના આયોજકોની યોજેલી બેઠક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-09-2022

બે વર્ષના કોરોના કાળ બાદ આ વખતે નવરાત્રી મહોત્સવનું જુસ્સાભેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અર્વાચીન અને પ્રાચીન દાંડિયારાસમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નર દ્વારા તમામ રાસોત્સવના આયોજકોની બેઠક બોલાવી હતી જેમાં અર્વાચીન દાંડીયારસમાં ખેલૈયાઓના આધારકાર્ડ ફરજિયાતનો આદેશ કર્યો છે. આ ઉપરાંત અર્વાચીન દાંડિયા રાસમાં સીસીટીવી પણ ફરજિયાત કરવાનો હુકમ કર્યો છે.

બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રીનાં રંગચંગે આયોજન કરવામાં આવ્યું છે. એક મહિના પહેલાથી જ અર્વાચીન દાંડિયા રાસના આયોજકો રાસોત્સવની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અર્વાચીન દાંડિયા રાસમાં છેડતીની ઘટના અને લવ જેહાદની ઘટનાઓ બનતી હોય તેના ભાગરૂપે આ વખતે સરકાર દ્વારા અર્વાચીન દાંડિયા રાસ રમવા આવતાં ખેલૈયાઓના આધાર કાર્ડ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.

હેમુગઢવી હોલ ખાતે પ્રાચીન અને અર્વાચીન દાંડિયા રાસના આયોજકો સાથે પોલીસ કમિશ્નરે બેઠક કરી હતી જેમાં અર્વાચીન દાંડિયા રાસના આયોજકોને ગ્રાઉન્ડ તેમજ પાર્કીંગમાં ફરજિયાત સીસીટીવી મુકવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત પ્રાચીન દાંડિયા રાસ ખાસ કરીને મોટી ગરબીના આયોજકોને પણ પાર્કીંગ અને સિકયોરિટીનાં પગલાં લેવા ખાસ આદેશ આપ્યો છે.

અર્વાચીન રાસોત્સવમાં છેડતીના કોઈ બનાવ ન બને તેનું આયોજકોએ ખાસ ધ્યાન રાખવા અને કોઈપણ ખેલૈયાઓની સાચી ઓળખ મળી રહે તે માટેના ડેટા લેવા ફરજિયાત કરવામાં આવ્યા છે.

ગણેશ ઉત્સવના આયોજકોને ઈનામ અપાયા

તાજેતરમાં જ શહેરમાં ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ હતી. આ તકે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે શહેરનાં ત્રણ બેસ્ટ ગણેશ ઉત્સવને ઈનામ આપવાની ઘોષણા કરી હતી. જેના ભાગરૂપે આજે હેમુગઢવી હોલ ખાતે દાંડિયા રાસના આયોજકોની બેઠકમાં ગણેશ ઉત્સવનાં ત્રણ આયોજકોને પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય ઈનામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં (1) ભગવતીપરા શિવાજી ચોક, (2) (ગોકુલધામ કા રાજા), (3) શ્રી કોઝી કોર્ટ યાર્ડ, (4) શક્તિ ચોક કા રાજા, (5) રાજકોટ કા રાજા સેવા સમિતિ, (6) સરદાર ચોક કા રાજા)