મોરબી શનાળા રોડ પરની શાકમાર્કેટ અન્ય સ્થળે ખસેડવા આવેદન પત્ર

સરદાર બાગ નજીક શાળા-કોલેજના વિદ્યાર્થીઓને થતી હાલાકી, લેખિત રજૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-08-2022

મોરબી શહેરના શનાળા રોડ પર સરદારબાગ નજીકના પાર્કિંગમાં વહેલી સવારે શાકમાર્કેટ ભરાય છે જેથી આસપાસમાં આવેલ શાળા અને કોલેજના વિદ્યાર્થીન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જ્યાં ટ્રાફિકજામ અને પાર્કિંગનો પ્રશ્ન થતો હોવાથી શાકમાર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે.

મોરબીના સરદાર બાગ નજીકની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ નગરપાલિકા તંત્રને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા શહેરના સરદાર બાગ સામેના પાર્કિંગમાં શાક માર્કેટ યોજવા વ્યવસ્થા કરવામાં આવી હતી કોરોના મહામારીને પગલે સોશ્યલ ડિસ્ટન્સના નિયમની અમલવારી માટે શાક માર્કેટ ત્યાં ખસેડવામાં આવી હતી તે સમયે શાળા અને કોલેજ બંધ હતી પરંતુ હવે શાળા અને કોલેજ શરુ થઇ ગઈ છે ત્યારે શાક માર્કેટને પગલે સવારમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે અહી શાળા-કોલેજ તેમજ હોસ્પિટલ આવેલ છે જેથી વિદ્યાર્થીઓને પાર્કિંગની જગ્યા મળતી નથી અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

તેમજ શાકમાર્કેટને કારણે ગંદકી પણ બેફામ થતી હોય છે જેથી વિદ્યાર્થીના આરોગ્ય જોખમાય છે જેથી શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માંગ કરી છે વિદ્યાર્થીઓએ નગરપાલિકાના અધિકારીને આવેદન પાઠવ્યું હતું ત્યારે નગરપાલિકા તંત્રએ યોગ્ય કરવા ખાતરી આપી હતી.