હવે એસ.ટી બસમાં પણ કેશલેસ સુવિધા કાર્ડ સ્વાઈપ કરી ટીકીટ લઈ શકાશે

ડીઝીટલ પેમેન્ટની સાથે કેશમાં ટિકીટ ખરીદવાની પણ સુવિધા: શરૂઆતમાં 100 વોલ્વો બસમાં નવી સીસ્ટમ અમલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2022

હવે એસ.ટી. બસમાં મુસાફરી કરતી વખતે રોકડા પૈસા આપી ટીકીટ લેવાની ઝંઝટમાંથી મુકિત મળશે.પીઓએસ મશીનમાં ક્રેડીટ-ડેબીટ કાર્ડથી પ્રવાસીઓ ટીકીટ લઈ શકશે.આ સાથે કેશમાં પણ ટીકીટ લેવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે.આ નવી સીસ્ટમથી છુટાની ઝંઝટમાંથી કંડકટર અને મુસાફર બન્નેને મુકિત મળશે. પીઓએસ મશીનથી શોપીંગ મોલ કે અન્ય નાની મોટી દુકાનોમાં ખરીદ વેચાણ થાય છે.

ત્યારે હવે આગામી દિવસોમાં એસ.ટી.બસોમાં કેસલેસ ટીકીટની સેવા શરૂ થઈ જશે. હાલ પ્રાયોગીક ધોરણે 100 બસોમાં પાયલોટ પ્રોજેકટ લાગુ થશે ત્યારબાદ તમામ બસોમાં લાગુ થશે. આ નવી સુવિધાથી હવે જીએસઆરટીસીની બસમાં છુટા પૈસાની ઝંઝટમાંથી મુકિત મળશે. માત્ર ડીઝીટલ પેમેન્ટ નહિં પ્રવાસીઓ માટે ઓન ધી સ્પોટ કેશ પેમેન્ટથી પણ ટીકીટ લેવાનો વિકલ્પ મળી રહેશે.હાલ 100 જેટલી વોલ્વો અને એસી બસોમાં આ નવી સીસ્ટમ અમલમાં મુકાશે ત્યારબાદ એસ.ટીની તમામ બસોમાં અમલી થશે.