સોમવારે મુખ્યમંત્રી મોરબીના બેલા ગામ આવશે

રામકથામાં આપશે હાજરી: 108 ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2022

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હરીહર ધામ ભરતનગર ખાતે રામકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભરતનગર-બેલા ગામે આવેલ ખોખરા હરીહર ધામ ખાતે આગામી તા.11 ના આવશે.

તા.8-4 થી તા.16-4 દરમિયાન ખોખરા હરીહરધામ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના કાર્યક્રમમાં તેઓ તા.11-4 ના રોજ ઉપસ્થિત રહેશે. મોરબી જિલ્લાના આ પ્રવાસ અંતર્ગત તેઓ આગામી તા.11-4 ના રોજ 9:50 કલાકે હેલીપેડ ઉતરી 10 કલાકે ખોખરા હરીહર ધામ ખાતે યોજાયેલ રામકથાના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

મૂર્તિનું અનાવરણ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે રામકથાનો પ્રારંભ થયો છે ત્યારે બેલા ગામેથી ખોખરા હનુમાન મંદિર સુધીની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથીયાત્રામાં ત્રણ હાથી અને 51 ઘોડાને રાખવામા આવ્યા હતા તેમજ સંતો મહંતો, રાજકીય આગેવાનો, ગામના લોકો, સમાજના શ્રેષ્ઠિઓ સહિતના અનેક લોકો જોડાયા હતા બેલા ગામથી લઈને ખોખરા હનુમાન સુધી વાજતે ગાજતે પોથીયાત્રા પહોંચી હતી અને ત્યારબાદ સંતો-મહંતો સહિતના લોકોના હસ્તે ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ રામકથામાં અંદર 11 મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે તેમજ તા.16 ના રોજ હનુમાન જયંતીના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કથાની સાથે જોડવાના છે તેની સાથે સાથે તે દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલ, મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અનેક રાજકીય આગેવાનો કથા દરમ્યાન કથાકાર અને સંતોના આશીર્વાદ લેવા માટે તેમજ કથા શ્રવણ કરવા માટે આવશે તેવું કથાના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયાએ જણાવ્યુ છે.