કોંગ્રેસ-‘આપ’નું જોડાણ-નરેશ પટેલ ચહેરો : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જશે નવી ફોર્મ્યુલા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2022

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં રાજકીય કાવાદાવા અત્યારથી શરુ થઇ ગયા છે અને રાજ્યભરમાં સૌથી મોટી ઉત્તેજના ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના રાજકીય એન્ટ્રીના નિર્ણય પર છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો સાંપડયા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થાય.

રાજકારણના ચાણક્ય અને રણનીતિકાર એવા પ્રશાંત કિશોરે આ દિશામાં મધ્યસ્થી કરી છે અને આ મામલે બંને પાર્ટીની નેતાગીરી વચ્ચે સેતુરુપ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં મોટી વસતી ધરાવતા અને રાજકારણમાં નિર્ણાયક પરીબળ સાબિત થતા લેઉવા પટેલ સમાજનાં આસ્થાના પ્રતિક સમા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ લેવાનો ગર્ભિત ઇશારો જાહેર કર્યા બાદ તેઓ કયા પક્ષ સાથે જોડાશે તે વિશે લાંબા વખતથી અટકળો ચાલી રહી છે અને તમામ પાર્ટીના રાજકીય આગેવાનોથી માંડીને સામાન્ય વર્ગમાં પણ ઉત્તેજના છવાયેલી છે.

ખુદ નરેશ પટેલે એવું જાહેર કર્યું છે કે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ અને કયા પક્ષ સાથે જોડાવું તે વિશે ખોડલધામની જ રાજકીય સમિતિ રાજ્યવ્યાપી સર્વે કરી રહી છે અને તેના નિર્ણયના આધારે ફેંસલો લેશે. તેઓએ અગાઉ જ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે સમાજની હા હોય તો જ પોતે રાજકારણમાં એન્ટ્રી કરશે.

ખોડલધામના રાજકીય સર્વે વચ્ચે નરેશ પટેલ છેલ્લા કેટલાક વખતથી જુદા-જુદા રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હોવાથી કયા પક્ષમાં જોડાશે તે વિશે સસ્પેન્સ સર્જાયો છે. ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ એમ ત્રણેય પક્ષના નેતાઓ વખતોવખત એવું જાહેર કરી ચૂક્યા જ છે કે નરેશ પટેલ તેમની સાથે જોડાવાના છે. જો કે, અંતિમ ફેંસલો શું હશે તે વિશે હજુ સસ્પેન્સ જ રહ્યું છે. તેવા સમયે અત્યંત આધારભૂત વર્તુળોએ એવો નિર્દેશ આપ્યો છે કે, કોંગ્રેસ અને ‘આપ’નું ચૂંટણી જોડાણ કરાવવા સાથે નરેશ પટેલને સંયુક્ત ચહેરો બનાવવા માટેની નવી ફોર્મ્યુલા આકાર પામી છે અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે બીડુ ઝડપીને મધ્યસ્થી કરી છે.

બંને પાર્ટીના નેતાઓ સાથે આ ફોર્મ્યુલા સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ફોર્મ્યુલા સફળ થાય તો તેવા સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો રાજકીય ધમાકો થવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને રણનીતિ સોંપવા માટે નરેશ પટેલે જ અગાઉ કોંગ્રેસ નેતાગીરી પર દબાણ સર્જીને સફળતા મેળવી હોવાનું કહેવાય છે અને હવે પ્રશાંત કિશોર મારફત જ નવી ફોર્મ્યુલા પર બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.

કોંગ્રેસ-આપના જોડાણ કરાવવા પાછળ એવો તર્ક દર્શાવવામાં આવી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાય તો કોંગ્રેસના મત ‘આપ’ના ઉમેદવારો કાપે અને ભાજપને તેનો સીધો ફાયદો થઇ જાય. ભાજપ સામે સીધો પડકાર સર્જવા અને તેને સતામાં આવતો રોકવા માટે સંયુક્ત લડાઇ જરુરી છે અને તો જ નિર્ણાયક પરિણામ આવી શકે છે. સુત્રોએ કહ્યું કે, બંને પક્ષોના નેતાઓ આ તર્ક સાથે સહમત છે અને એટલે જ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ મામલે આવતા થોડા દિવસોમાં જ નિર્ણાયક ફેંસલો થઇ જવાની શક્યતા છે.

ખોડલધામની રાજકીય સમિતિ આવતા સપ્તાહમાં સર્વે રીપોર્ટ આપશે : ‘સલાહ’ મુજબ જ નિર્ણય ?

સમાજના આગેવાનો નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરાવવા આતૂર

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ કે કેમ અને કરે તો કયા પક્ષ સાથે જોડાવું તે વિશે સર્વે કરવા માટે રાજકીય સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિ દ્વારા છેલ્લા બે મહિના કરતા પણ વધુ સમયથી રાજકીય સમિતિ દ્વારા સર્વે કરાવવામાં આવી રહ્યો છે. સમિતિ દ્વારા મોટાભાગે આવતા સપ્તાહમાં રિપોર્ટ સોંપી દેવામાં આવશે અને તેમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે તર્કબધ્ધ ભલામણ કરવામાં આવશે.

માહિતગાર સુત્રોએ એમ જણાવ્યું છે કે, નરેશ પટેલનાં રાજકીય પ્રવેશનો ઘણો બધો આધાર રાજકીય સમિતિનાં રિપોર્ટ પર છે. સમિતિનાં રિપોર્ટ પર જ અંતિમ ફેંસલો થશે કે કેમ તે વિશે અત્યારે કહેવું વહેલુ છે. માત્ર પાટીદાર જ નહીં અન્ય કેટલાક સમાજના આગેવાનો પણ નરેશ પટેલને રાજકારણમાં આગળ વધારવા માટે આતુર છે.

નરેશ પટેલ રાજકારણમાં આવશે તો ભાજપમાં તો નહીં જોડાય : મરજી મુજબના સમીકરણો ન ગોઠવાય તો ‘રાજકીય એન્ટ્રી’ જ ટાળશે

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી જબરદસ્ત રાજકીય ઉત્તેજના પ્રવર્તી રહી છે. ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક પ્રભાવ પાડતા લેઉવા પટેલ સમાજના સર્વસ્વીકૃત નેતા હોવાના કારણે અને ચૂંટણીમાં તેમનો મોટો પ્રભાવ પડી શકે તેમ હોવાથી સતાધારી ભાજપથી માંડીને કોંગ્રેસ અને આપની નેતાગીરી પણ તેઓને પોતાની પાર્ટીમાં લેવા માટે આતુર છે અને તમામ ટોચના નેતાઓ વખતોવખત નરેશ પટેલને પોતપોતાના પક્ષમાં આવવા માટે જાહેરમાં આમંત્રણ આપી રહ્યા છે.

નરેશ પટેલ ભાજપમાં જોડાશે તેવી વાત ‘ચગાવવામાં’ આવી હતી તેવા સમયે અત્યંત માહિતગાર સુત્રોએ એમ જણાવ્યું છે કે ખોડલધામ પ્રમુખ રાજકારણમાં પ્રવેશ મેળવે તો પણ ભાજપમાં તો નહીં જ જોડાય. પોતાની ગણતરી મુજબના રાજકીય સમીકરણો ન બને તો રાજકારણમાં આવવાનું ટાળી દેશે પરંતુ ભાજપમાં જોડાવાની વાત પર તો ‘ચોકડી’ જ મારી દીધી છે. સુત્રોના કહેવા પ્રમાણે, નરેશ પટેલની વિચારધારા કોંગ્રેસ તરફી છે જો કે વિચારધારા કરતાં પણ તેઓ તમામ સમાજ માટે જે રાજકીય પક્ષ સારુ શાસન આપી શકે તેની સાથે જોડાવાનો અભિગમ ધરાવે છે. અને આવા જ મુદાઓ સાથે તેઓએ છેલ્લા કેટલાક દિવસોમાં જુદા-જુદા પક્ષના સિનિયર નેતાઓ સાથે મીંટીંગ પણ કરી લીધી છે અને પોતાની રાજકીય કલ્પનાનો પરિચય આપી દીધો હતો.

સામાન્ય વર્ગ પ્રજા માટે સારો વહીવટ આપી શકાય તેવો જ તેમનો મુખ્ય એજન્ડા છે અને તે ધોરણે તમામ નેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. એમ કહેવાય છે કે, પોતાની મરજી મુજબના રાજકીય સમીકરણો ગોઠવાઇ શકે તેમ ન હોય તો નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરવાનું જ માંડી વાળશે.

નરેશ પટેલનો વિધિસર નિર્ણય જાહેર થતા હજુ 10-15 દિવસ થવાની શક્યતા

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે અગાઉ માર્ચના અંત સુધીમાં રાજકીય પ્રવેશનો નિર્ણય લેવાનું જાહેર કર્યું હતું પરંતુ તેમાં મુદત પાડીને એપ્રિલના ત્રીજા કે ચોથા સપ્તાહમાં આખરી ફેંસલો લેવાનું જણાવ્યું હતું. હવે ખોડલધામની રાજકીય સમિતિ દ્વારા મોટાભાગે આવતા સપ્તાહમાં સર્વે રિપોર્ટ સોંપી દેવામાં આવનાર છે અને તે રિપોર્ટની સમિક્ષા કર્યા બાદ અને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે વિશેની સતાવાર જાહેરાત કરવાના છે. સુત્રોએ એમ જણાવ્યું છે કે, વિધિસરની જાહેરાતમાં હજુ 10 થી 15 દિવસનો સમય લાગી શકે તેમ છે.