ગેસના ભાવમાં 300 વખત આડેધડ વધારા: સિરામિક એકમો બંધ કરવાની નોબત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2022

ઉંચી કિંમત છતાં સપ્લાયમાં 20 ટકા કાપ: કંપનીની ઓફિસે ઉદ્યોગકારોનો મોરચો: સ્થિર ભાવ ન મળે તો ધંધાને તાળા-આંદોલનની તૈયારી

મોરબીના લાલપર ગામ પાસે ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઇને ગેસની સપ્લાઈમાં કંપની દ્વારા મૂકવામાં આવેલ 20 ટકા કાપના મુદે સિરામિક ઉદ્યોગકારોએ હોબાળો કર્યો હતો. આગમી એપ્રિલ મહિનાથી જો એક જ ભાવે પૂરતા પ્રમાણમા ગેસની સપ્લાઈ નહીં કરવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી મોરબી સિરામિક એસો. દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં નેચરલ ગેસના ઉપયોગથી ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે આ નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા વધારો રાતો રાત કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમા ગેસ આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગકારોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે. ગઇકાલે મોરબી સિરમીક એસો.ની ઓફિસેથી 500 કરતાં વધુ સિરામિક ઉદ્યોગકારો દ્વારા રેલી કાઢીને લાલપર પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ત્યાં અધિકારીને આવેદનપત્ર પાઠવીને પૂરતા પ્રમાણમા ગેસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ ઓગણજા સહિતના આગેવાનો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં ખાસ કરીને સિરામિક ઉદ્યોગકારોએ ગેસ માટે કરાર કરેલ છે તો પણ 20 ટકા કાપ ગુજરાત ગેસ દ્વારા મૂકવામાં આવેલ છે તેના લીધે ઘણી મુશ્ર્કેલીનો સામનો ઉદ્યોગકારો કરી રહ્યા છે એપ્રિલ એક જ ભાવથી પૂરતા પ્રમાણમાં ગેસ આપવામાં આવે તેવી માંગ એસો.ની આગેવાનીમાં કરવામાં આવી છે અત્યાર સુધીમાં 300 વખત ગેસના ભાવ વધારા સહિતના કોઈપણ નિર્ણયની અગાઉ જાણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

જો કે, તે રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે કંપની દ્વારા આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઘણા કારખાના બંધ થશે તે નિશ્ર્ચિત છે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે આંદોલન કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી હોવાની ચીમકી ઉચ્ચારી છે.