હાઇપરસોનિક ટેકનોલોજીમાં આપણાથી આગળ છે ભારત, અમેરિકાના સાંસદે કબુલ્યું, જાણો શું છે ખાસ ટેકનિક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2022

સૈન્ય ટેકનિકના મામલામાં અમેરિકા (US)દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. જોકે હવે આ ક્ષેત્રમાં તેનો દબદબો દાવ પર છે. ઓછામાં ઓછો હાઇપરસોનિક મિસાઇલ (Hypersonic tech)ટેકનિકના મામલામાં તો આવું જ છે. અમેરિકાના પ્રભાવશાળી સેનેટર જેક રીડનું (Jack Reed) આવું કહેવું છે. જેકે હાઇપરસોનિક ટેકનિકનો હવાલો આપીને કહ્યું કે અમેરિકા આ મામલે રશિયા અને ચીનથી જ નહીં ભારતથી પણ પાછળ રહી ગયું છે.

અમેરિકી સાંસદે કરી કબુલાત

જેક રીડ અમેરિકી સંસદના ઉચ્ચ સદન સેનેટમાં આર્મ્ડ સર્વિસિઝ કમિટીના ચેરમેન છે. તેમણે નોમિનેશનને લઇને એક મિટિંગમાં કહ્યું કે એક સમય હતો જ્યારે ટેકનિકના મામલામાં આપણું વર્ચસ્વ રહેતું હતું. જોકે હવે આવું નથી. ઉદાહરણ માટે હાઇપરસોનિક ટેકનોલોજીને લઇ લો. અમેરિકા આ મામલે ચીન, ભારત અને રશિયાથી પાછળ રહી ગયું છે. આ દેશોએ ઘણી તરક્કી કરી છે. સેનેટર રીડે કહ્યું કે પરમાણું હથિયારના મામલામાં અમેરિકાને પ્રથમ વખત ત્રિપક્ષીય મુકાબલાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ અમેરિકા અને રશિયા વચ્ચેનો મુકાબલો રહ્યો નથી. હવે ચીન પણ આ મામલે સામેલ થયું છે.

શું હોય છે હાઇપરસોનિક ટેકનિક?

અમેરિકી સેનેટરે જે હાઇપરસોનિક ટેકનિકનો ઉલ્લેખ કર્યો હતો તે મિસાઇલના મામલે સૌથી અત્યાધુનિક ટેકનિક માનવામાં આવે છે. અવાજથી ઝડપથી 5 ગણી વધારે ચાલનાર મિલાઇલોને હાઇપરસોનિક કહેવામાં આવે છે. કિલોમીટરમાં બતાવવામાં આવે તો 6000 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડતી મિસાઇલ હાઇપરસોનિક કહેવાય છે. તેની ગતિ અને દિશામાં ફેરફાર કરવાની ક્ષમતા ઘણી સારી હોય છે. તેના કારણે તેને ટ્રેક કરવી અને તોડી પાડી ઘણી મુશ્કેલ હોય છે. તે પોતાના લક્ષ્યાંક પર સટીક વાર કરે છે. હાલમાં યુક્રેન યુદ્ધમાં રશિયાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલ કિંજસનો ઉપયોગ કર્યો હતો.

ભારતની હાઇપરસોનિક ઝડપ

ભારત હાઇપરસોનિક ટેકનિક પર છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ બતાવે છે કે અમેરિકી સંસદમાં રજુ થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત સ્વદેશમાં જ હાઇપરસોનિક મિસાઇલ બનાવવામાં લાગ્યું છે. તે એવી મિસાઇલ બનાવી રહ્યું છે જે પરંપરાગત હથિયારોની સાથે-સાથે પરમાણું હથિયાર દાગવા સક્ષમ છે. અમેરિકી રિપોર્ટ પ્રમાણે ભારતે 12 આવી હાઇપરસોનિક વિંડ ટનલ બનાવી રાખી છે.