યુક્રેનના ટુકડા; બે પ્રાંતને સ્વતંત્ર દેશ જાહેર કરતું રશિયા

યુધ્ધના ઉન્માદ વચ્ચે લુહાન્સ્ક અને ડોનેસ્કને અલગ રાષ્ટ્રની માન્યતા, આખુ વિશ્વ સ્તબ્ધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-02-2022

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને સંબોધનમાં મોટી જાહેરાત કરી છે. તેમણે પૂર્વ યુક્રેનને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. તેમણે પૂર્વીય યુક્રેન બનાવવાના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પુતિને ડોનબાસને અલગ દેશની માન્યતા આપી છે. આ સાથે જ લુહાન્સ્ક અને ડોનેસ્કની રચનાને અલગ દેશો તરીકે માન્યતા આપી હતી. તમને જણાવી દઈએ કે લુહાન્સ્ક અને ડોન્સ્ક પૂર્વ યુક્રેનમાં છે. બીજી તરફ રશિયાના આ પગલાથી અમેરિકા છંછેડાયુ છે અને તાત્કાલિક આર્થિક પ્રતિબંધ લાદયા છે અને જણાવ્યું છે કે, હવે કિનારે ઉભા રહેવાનો સમય નથી.

રાષ્ટ્રને સંબોધિત કરતા પુતિને કહ્યું કે ડોનબાસમાં સ્થિતિ ઘણી ગંભીર છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ડોનબાસ એ રશિયાના ઈતિહાસ સાથે જોડાયેલો વિસ્તાર છે.

આપણે ઈતિહાસ જાણવો જોઈએ. પુતિને વધુમાં કહ્યું કે યુક્રેન અમારું જૂનું સાથી છે. પૂર્વી યુક્રેનને લઈને મારે મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો. તેમણે કહ્યું કે અમે યુક્રેનને સામ્યવાદનું સત્ય બતાવવા માટે તૈયાર છીએ. પુતિને કહ્યું કે રશિયાની સંસદ પાસે તમામ સત્તા છે.

રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે યુક્રેન આપણા ઈતિહાસનો અભિન્ન હિસ્સો છે. તેમણે કહ્યું કે 1991 થી 2013 સુધી રશિયાએ યુક્રેનને મદદ કરી. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સોવિયત સંઘના તમામ રાજ્યોને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. પુતિને કહ્યું કે યુક્રેનમાં હજુ સુધી સ્થિર સરકાર બની શકી નથી. રશિયાએ આધુનિક યુક્રેન બનાવ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેને લોકોના હિતમાં કામ કર્યું નથી. યુક્રેનની અર્થવ્યવસ્થાની હાલત ખૂબ જ ખરાબ છે. પુતિને કહ્યું કે સ્ટાલિને યુક્રેનને રશિયાથી અલગ કર્યું. જ્યારે બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સમાચાર છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં દેશ છોડી શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, શું યુક્રેનના લોકોને ખબર છે કે તેમનો દેશ કોલોની બની ગયો છે. યુક્રેનના લોકો પાસે પૈસા નથી. દરેક જગ્યાએથી રશિયન ભાષાને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શાળા અને ઓફિસમાંથી રશિયન ભાષા નાબૂદ કરવામાં આવી રહી છે. રશિયા પાસે પુરાવા છે જે દર્શાવે છે કે યુક્રેનમાં રશિયન લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન પાસે એટમ બોમ્બ છે. યુક્રેન ક્રિમીઆ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન રશિયા પર એટમ બોમ્બથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રશિયા યુક્રેનને રશિયા માટે ખતરો બનવા દેશે નહીં. તેમણે કહ્યું કે યુક્રેનમાં કોઈ સ્વતંત્ર કોર્ટ નથી. વાસ્તવમાં, રશિયન રાષ્ટ્રપતિ સોવિયત સંઘને ફરીથી બનાવવા

માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે યુક્રેનની સેનાને નાટો હેડક્વાર્ટરથી કમાન્ડ કરવામાં આવે છે. જો યુક્રેન નાટોમાં જોડાય તો રશિયા જોખમમાં આવી શકે છે. રાષ્ટ્રપતિ પુતિને વધુમાં કહ્યું કે અમેરિકાએ યુક્રેન અને જ્યોર્જિયાનો ઉપયોગ કર્યો. અમેરિકા રશિયાને મજબૂત જોવા નથી માંગતું. તેમણે કહ્યું કે અમેરિકાની રાજનીતિ નબળા રશિયા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે રશિયાએ અમેરિકા સાથે નાટોમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ક્લિન્ટને મને આ અંગે સારો પ્રતિસાદ આપ્યો ન હતો.

પુતિને કહ્યું, બંને દેશો વચ્ચે જે પ્રકારનો વિશ્વાસ છે તે બંને દેશોએ ગુમાવી દીધો છે. તેમણે કહ્યું કે, યુક્રેન સંકટ પર અમે વાતચીત દ્વારા તણાવને ઉકેલવા માટે તૈયાર છીએ. અમારી સામે કાર્યવાહીનો જવાબ આપશે. આપણને આપણા દેશની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈ અમારા પર હુમલો કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. તેમણે કહ્યું કે યુક્રેને ડોનવાસમાં સેનાની ભારે તૈનાતી કરી છે. અહીં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ હાજર છે, તેમ છતાં યુક્રેને ત્યાં મોટી સંખ્યામાં સેના તૈનાત કરી છે.

યુક્રેનથી છૂટા પડેલા બે ક્ષેત્રો સામે આર્થિક નાકાબંધી કરતું અમેરિકા

રશિયા દ્વારા પૂર્વ યુક્રેનના બે ક્ષેત્રો દોનેત્સ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા અપાયા બાદ અમેરિકાએ પણ વળતા પગલા લેવાની શરૂઆત કરી છે. પ્રમુખ જો બાઈડેને ગઈકાલે એક આદેશ પર હસ્તાક્ષર કરી અમેરિકી નાગરીક અને વેપારીઓ આ બન્ને ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારનું રોકાણ, ધંધો અથવા નાણાકીય સહાયતા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આદેશ પર હસ્તાક્ષર કરતાં બાઈડેને જણાવ્યું હતું કે, મેં રશિયાના આંતરરાષ્ટ્રીય કાનૂનના ઘોર ઉલ્લંઘન રોકવા આ આદેશ પર હસ્તાક્ષર કર્યો છે. આગળના પગલા બાબતે અમે યુક્રેન સહિત સાથીદેશો સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. બાઈડેને જણાવ્યું હતું કે, રશિયાનું આ પગલુ યુક્રેનની શાંતિ-સ્થિરતાં, સાર્વભૌમત્વ અને અખંડતા માટે ખતરો છે. એ ઉપરાંત સંયુકત રાષ્ટ્રની સુરક્ષા અને વિદેશનીતી માટે પણ આ એક અસાધારણ ખતરો છે.

બન્ને દેશો સંયમ રાખે: ભારત

યુક્રેનના રશિયાએ કરેલા ટુકડા અંગે ભારતનું વલણ નરોવા-કુંજરોવા જેવું છે. ઞગજઈમાં ભારતના પ્રતિનિધિ ઝજ તિરુમૂર્તિએ કહ્યું- આ પગલાથી શાંતિ અને સુરક્ષાના ભંગ થઈ શકે છે. આ મુદ્દો રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ ઉકેલી શકાય છે. આ તરફ અમેરિકાએ કહ્યું કે રશિયાનું આ પગલું યુક્રેનમાં ઘૂસણખોરીનું એક બહાનું છે. અમે અને અમારા સહયોગીઓ સહમત છીએ કે જો રશિયા વધુ ઘૂસણખોરી કરે છે, તો તેને તાકીદે યોગ્ય જવાબ આપવો જોઈએ. અમેરિકાએ વધુમાં કહ્યુ હતુ કે, હવે કિનારે ઊભા રહેવાનો સમય નથી.