7મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના શાસન કાળને 20 વર્ષ પૂરા: મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમોની વણજાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-09-2021

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધી નરેન્દ્ર મોદીના શાસન કાળને આગામી 7મી ઓક્ટોબરના રોજ 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લામાં આગામી 7 ઓકટોબર સુધી મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

2001 નું વર્ષ સમગ્ર ગુજરાત માટે હંમેશ માટે યાદગાર બની રહેશે કારણ કે જાન્યુઆરી મહિનામાં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ગોઝારો ભૂકંપ થયો હતો જેમાં અનેક લોકોએ પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા હતા અને ત્યાર બાદ રાજકીય ભૂકંપ થયો હતો જેમાં તાત્કાલિક કેશુભાઇ પટેલનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું લઈને 7 ઓક્ટોબરના રોજ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જે તે સમયે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા આજે તેઓ દેશના વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમજ વડાપ્રધાન તરીકે જે શાસન કર્યું છે તે શાસનકાળને આગામી 7મી ઓક્ટોબર ના રોજ 20 વર્ષ પૂર્ણ થયા છે.

આ 20 વર્ષના શાસન કાળ દરમ્યાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે અને ખાસ કરીને જે નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેની અમલવારી કરવામાં આવી છે અને તેના કારણે લોકોની સુખાકારીમાં જે વધારો થયો છે તે લોકો સુધી વાસ્તવિકતા પહોંચે તે માટે થઈને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર સહિતની ટીમ દ્વારા આગામી 7 ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે કામગીરી કરે છે તેને લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

આ કામગીરીના ભાગરૂપે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળા અને ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોટો પ્રદર્શની તા 23 સુધી રાખવામા આવી છે તેની સાથોસાથ ભાજપની કાર્યશાળા રાખવામાં આવી હતી તેમાં આવેલા દરેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી કારણ કે આગામી દિવસોમાં જીલ્લામાં જુદીજુદી બે તાલુકા પંચાયતની એક એક બેઠક માટેની પેટાચૂંટણી યોજાવાની છે ત્યાર બાદ ડિસેમ્બર મહિનામાં સરપંચોની ચૂંટણીઓ છે અને પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જીલ્લામાં જો અત્યારથી જ કામ કરવામાં આવશે અને સરકારી કામ તેમજ યોજનોને લોકો સુધી પહોંચાડવામાં આવશે તો આગામી ચૂંટણીની અંદર ભાજપને વિજય હાંસલ કરવો આસન બની રહેશે તેવો આત્મવિશ્વાસ જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈએ વ્યક્ત કર્યો હતો