વાંકાનેરના વસુંધરા ગામનો પુલ તૂટતાં ગામ સંપર્ક વિહોણું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-09-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકાના છેવાડાના ગામની માઠી દશા.. આજે પણ છકડો રીક્ષા જ 108ની ભૂમિકામાં વાંકાનેર તાલુકાના છેવાડે આવેલા વસુંધરા ગામને જોડતો નદી ઉપરનો કોઝવે ગઈકાલે ભારે વરસાદમાં ધોવાઈ જતા આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સરકારી એસટી બસ કે અન્ય કોઈપણ સુવિધા ન ધરાવતા આ ગામ ગારીડા અને હોલમઢ થઈને પહોંચવાના અન્ય બે રસ્તાઓ છે પરંતુ ખનીજચોરોનાં પાપે ભારે વાહનોથી આ રસ્તાઓ પણ તૂટી ગયા હોય ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાંકાનેર તાલુકાનું છેવાડાનું અને નાનું એવું વસુંધરા જેવું વિશાળ નામ ધરાવે છે પરંતુ આઝાદીના આટલા વર્ષે પણ આ ગામના લોકોને એસટી બસ તો ઠીક 108 એમ્બ્યુલન્સ જેવી સુવિધા નસીબ નથી. નદીને સામે કાંઠે આવેલા વસુંધરા ગામે જવા માટે એક માત્ર નદી ઉપરનો નાનો એવો કોઝવે નસીબ થયો છે પરંતુ ગઈકાલે ભારે વરસાદમાં આ કોઝવે તૂટી જતા હાલમાં વસુંધરા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે

ઉલ્લેખનીય છે કે, વસુંધરા ગામ જવા માટે ગારીડા અને હોલ માતાના મઢથી કાચો રસ્તો આવેલો છે. પરંતુ ભરડિયા અને ખનીજ ચોરીમાં ચાલતા ભારે વાહનોને કારણે એ કાચો માર્ગ પણ વાહન ચાલે તેવો રહ્યો ન હોય ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ગામમાં એસટી બસ આવતી ન હોવાથી ગ્રામજનો માટે છકડો રીક્ષા જ બસ અને એમ્બ્યુલન્સની ગરજ સારે છે. વસુંધરા ગામનો મુખ્ય પુલ તૂટી જવા મામલે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગનો સંપર્ક સાધતા અધિકારી ચૌધરીએ કોઝવે તૂટ્યો હોવાની વાતને સમર્થન આપી અગાઉ આ કોઝવે રીપેરીંગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.