કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 2500 કરોડનું કોકેઈન ડ્રગ્સ ઝડપાયું , DRI ની મોટી કાર્યવાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-09-2021

મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાન અને ઈરાનથી આવેલા બે કન્ટેનરો રોકીને અમદાવાદ DRIના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જે પૈકી એક કન્ટેનરમાંથી રૂપિયા 2500 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, DRIના અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરોની અંદર પ્રતિબંધિત નશીલી દવાઓ બાબતે બાતમી મળતા તેને અટકાવી દીધા હતા. જે બાદ તેની તપાસ માટે FSLની પણ મદદ લેવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા આવેલા કન્ટેનરોમાં પાવડરની આડમાં કોકેઈનનો મોટો જથ્થો લવાયો હતો. આ કન્ટેનરની અંદર મોટી માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાના અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન હતો. જો કે હવે તેમના આ પ્લાન પર પાણી ફરી વળ્યું છે.

એક કન્ટેનરમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અન્ય એક કન્ટેનરમાં તપાસ ચાલી રહી છે. હવે NCB આ પ્રતિબંધિત નશીલો પાવડર કોણે અફઘાનિસ્તાનમાંથી મંગાવ્યો? તેની તપાસ કરી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરીનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે.