ખૅરખાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવાતાં નવા-જૂની થવાના સંકેત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-09-2021

ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની આજે ગાંધીનગરમાં શપથવિધિ યોજાવા જઇ રહી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ-કોણ સામેલ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલતા જોવા મળી રહી છે. હાલમાં ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી તમામ એક બાદ એક ધારાસભ્યો ગાંધીનગર જવા રવાના થઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, આજ રોજ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાનમંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં આ મંત્રીમંડળને ધ્યાનમાં રાખી અત્યારથી સ્વર્ણિમ સંકુલની ઓફિસ ખાલી કરવામાં આવી રહી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઓફિસ ખાલી કરાવાઇ છે, તો મંત્રી ઇશ્વર પરમારનું કાર્યાલય પણ ખાલી કરાવી દેવાયું છે. તદુપરાંત વિભાવરીબેન દવે અને કુમાર કાનાણી અને વાસણ આહીરની પણ ઓફિસ ખાલી કરાવાઇ છે. જ્યારે મંત્રી આર.સી ફળદુનું કાર્યાલય યથાવત રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, રૂપાણી સરકારના 90 ટકા મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પડતા મૂકી શકાય છે. એટલે કે નો રિપીટ થિયરી આજના આ મંત્રીમંડળમાં અપનાવાઇ શકે છે.