ભુપેન્દ્ર પટેલએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM એ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-09-2021

ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે (BJP) ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલના ખાસ છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેન્દ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ,  હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા,મનસુખ ભાઈ માંડવીયા,તેમજ  અન્ય મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સૌએ નવ નિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.

પીએમ મોદી ટ્વીટ કરીને ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટ કરીને લખ્યું હતું કે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..