ગૂગલનું નવું સિક્યોરિટી ફિચર, છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી કરી શકાશે ડિલીટ, અહીં જાણો કઈ રીતે

ગૂગલે નવું પ્રાઇવસી ફિચર શરૂ કર્યું છે, જે સર્ચ હિસ્ટ્રીમાં વધુ સુરક્ષા આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-07-2021

ગૂગલ લોકોની જીવનશૈલીનો એટલો અતૂટ ભાગ થઈ ગયો છે કે ગૂગલ દ્વારા કરવામાં આવતા નાના મોટા ફેરફારની અસર કાર્યપ્રણાલી પર પાડવા લાગે છે. ત્યારે ગૂગલે નવું પ્રાઇવસી ફિચર શરૂ કર્યું છે. જે સર્ચ હિસ્ટ્રીમાં વધુ સુરક્ષા આપશે. નવા પ્રાઇવસી ફિચરમાં યૂઝર્સને મોબાઈલ પર પોતાની સર્ચ હિસ્ટ્રીની છેલ્લી 15 મિનિટ ડિલીટ કરવાની પરવાનગી આપી છે.

ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યા મુજબ આ પ્રાઇવસી એવા લોકો માટે મહત્વની બનશે જેઓ અવારનવાર પોતાનો મોબાઈલ ફોન શેર કરતા હોય છે, પરંતુ અન્ય લોકો ફોનની સર્ચ હિસ્ટ્રી જોઈ ન જાય તેનો ડર હોય છે. જેથી આ સુવિધા તેમની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકશે. હાલ તો આ સુવિધા માત્ર iOS યૂઝર્સ માટે જ આપવામાં આવી છે અને આ વર્ષના અંત સુધીમાં Androidમાં પણ સુવિધા મળશે તેવું ગૂગલનું કહેવું છે.

સર્ચ હિસ્ટ્રીમાં પણ ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન : ગૂગલની નવી સુવિધાની સાથે સર્ચ હિસ્ટ્રીની વધુ સુરક્ષા માટેની પદ્ધતિ પણ આપશે. ગૂગલ એકાઉન્ટમાંથી સાઈન ઇન કરતી વખતે યૂઝર્સ માય એક્ટિવિટી માટે વધુ વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરી શકે છે. જે યૂઝર્સને આખી સર્ચ હિસ્ટ્રી જોતા પહેલા વધુ જાણકારી પુરી પાડશે. આ વધારાની જાણકારી એક રીતે ગૂગલ પાસવર્ડ કે ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન જેવુ વેરિફિકેશન ચેક હશે.

આ ઉપરાંત યૂઝર્સ 3, 18 કે 35 મહિના બાદ અન્ય વેબ અને એપ ગતિવિધિમાં પોતાની સર્ચ હિસ્ટ્રીને આપોઆપ ડિલીટ થવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. નવા યૂઝર્સ માટે ડિફોલ્ટ રીતે તે 18 મહિના માટે સેટ હશે. જોકે, તેને સેટિંગમાં જઈ બદલી શકાશે.

વોઇસ કમાન્ડની હિસ્ટ્રી પણ ડિલીટ થઈ શકશે: અત્યારે તો યૂઝર્સ 15 મિનિટ સુધીની હિસ્ટ્રી એક ક્લિકથી હટાવી શકશે. આ ફિચર સૌથી વધુ હાઈલાઈટ કરવામાં આવ્યું છે. પ્રારંભિક તબક્કે આ સુવિધા માત્ર iOS યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. ઇન્સ્ટન્ટ ડિલીટ કરવા માટે યૂઝરને ગૂગલ એકાઉન્ટ મેન્યુ > પ્રોફાઈલ/પ્રોફાઇલ પિક્ચર કે અવતાર આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં યૂઝરને નવો વિકલ્પ ડિલીટ ઓપ્શન જોવા મળશે. જે ડિલીટ લાસ્ટ 15 મિનિટ બતાવશે. પોતાની ગૂગલ સર્ચ હિસ્ટ્રીની છેલ્લી 15 મિનિટ ડિલીટ કરવા અહીં ક્લિક કરવાનું રહેશે. આ ઉપરાંત યૂઝર્સ ગૂગલ આસીસ્ટન્ટને ‘Ok Google, ગયા અઠવાડિયે મેં તને જે પણ પૂછ્યું હતું તે બધું ડિલીટ કરો’ જેવો વોઇસ કમાન્ડ પણ આપી શકે છે.