ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીની જાહેરાત બાદ બેટરીવાળા વાહનોના બુકિંગમાં 500% નો વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-07-2021

સુરતમાં ઇ-કાર, ઇ-બાઈક, મોપેડ એટલે કે બેટરીવાળી વાહનોનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. જ્યારે માત્ર એક જ મહિનામાં અંદાજિત 400થી વધુ મોપેડ સુરતમાં વહેચાઈ ગયા છે અને હજી પણ બુકીંગ યથાવત છે.

22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે. જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે. જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ વિના મૂલ્યે કરવાની જાહેરાત કરી છે. જેને લઈને લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. ઈલેક્ટ્રિક પોલિસી જાહેર કર્યાના 10 દિવસમાં જ સુરતમાં 100 ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કારમાં 2 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે, જ્યારે ઇ-મોપેડમાં બુકીંગ અને વેચાણનો આંકડો તો 500% વધી ગયો છે. પેહલા ઇ-મોપેડ મહિનામાં એકથી 20 સુધી જ વેચાતી હતી. હાલમાં સુરતમાં 29 જેટલા ડિલરો છે અને એમની બુકીંગ અને વેચાણમાં 400થી 500% વધારો નોંધાયો છે.