ST વિભાગનો મહત્ત્વનો નિર્ણય, ST બસને અપાઈ રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-06-2021

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો. કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે શહેરોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનોને જ ખોલવાની છૂટ આપવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે આ 36 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યું હતું. રાત્રિ કર્ફ્યૂના કારણે ST વિભાગ દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જે શહરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો છે તે શહેરોમાં રાત્રિના સમયે ST પ્રવેશ કરશે નહીં. પણ હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે કર્ફ્યૂના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા છૂટછાટોમાં વધારો કરાતા હવે રાજ્યના ST વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એસ.ટી. ની બસોને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ધીમી પડવાની સાથે જ રાજ્યમાં ST વિભાગ દ્વારા બસોને ફરીથી પહેલાની જેમ પૂર્વવત કરવામાં આવી છે. હવે રાજ્યની ST બસોને 75% કેપેસીટી સાથે દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી થઇ રહી છે તે શહેરોમાં પણ હવે રાત્રિ કર્ફ્યૂના સમયે ST બસનું સંચાલન શરૂ કરવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં હજુ પણ 18 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની સાથે-સાથે કેટલાક પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે ST વિભાગના બે હજાર કરતા વધારે કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા અને 100 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અગાઉ રાજ્યના ST વિભાગ દ્વારા STના કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સીન લેવાની સુચના આપવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે ST વિભાગને પણ ખૂબ મોટું નુકસાન થઇ રહ્યું છે. તો રાત્રિ કર્ફ્યૂના કારણે ST બસ રાત્રિ કર્ફ્યૂવાળા શહેરોમાં પ્રવેશતી ન હોવાથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ST વિભાગના આ નિર્ણયના કારણે લોકોને મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો