જામનગર સહિત ત્રણ તાલુકામાં મેઘાનો પગરવ: કાલાવડમાં પોણા બે ઇંચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગર શહેરમાં તિવ્ર ગરમી વચ્ચે રાત્રીના સમયે મેઘરાજાએ હાઉકલી કરી હતી. જોકે જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના ચહેરા ઉપર ચમક આવી છે. જિલ્લામાં જોકે કાલાવડ, ધ્રોલ, જોડિયામાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જામનગર શહેરમાં આખો દિવસ ઉકળાટ રહ્યો હતો. બાદમાં રાત્રીના સમયે મેઘરાજાએ હાઉકલી કરી હતી. જેનાથી શહેરના રસ્તાઓ ભીના થયા હતાં. શહેરમાં પણ અનેક વિસ્તારમાં વધુ વરસાદ અને અન્ય વિસ્તારમાં ઝાપટા થયા હોવાનું જાણવા મળે છે. જામનગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ મેઘરાજાએ પધરામણી કરી હતી. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં મળતી માહિતી મુજબ કાલાવડમાં 45 મી.મી. વરસાદ નોંધાયો જ્યારે ધ્રોલમાં 14 મી.મી. અને જોડિયામાં 4 મી.મી. નોંધાયો હતો. ત્રણ તાલુકાઓમાં વરસાદ થતાં જતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

જામનગર શહેરમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ સૂર્ય નારાયણના પ્રકાશ વચ્ચે વરસાદી ઝાંપટુ આવ્યું હતું વરસાદી ઝાપટુ આવતા શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ વરસાદી વાતાવરણ સર્જાયુ હતું. શહેરમાં વરસાદ થતાંની સાથે જ રસ્તાઓ ઉપર બેથી ત્રણ જગ્યાએ બાઇક સ્લીપ થવાની ઘટનાઓ ઘટી હતી.

અને શહેરમાં ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાની મજા માણવા શહેરીજનો ઘર બહાર નિકળ્યા હતાં. અને પ્રથમ વરસાદની મજા લેતા જોવા મળ્યા હતાં. આમ જામનગરમાં લાંબા સમયથી ગરમી અને ઉકળાટ, બફારા વચ્ચે સવારના વરસાદી ઝાપટાથી વાતાવરણમાં થોડીક ઠંડક અનુભવાય હતી.જિલ્લા કલેકટર કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરનું આજે સવારે લઘુતમ તાપમાન 28.5 ડીગ્રી અને મહત્તમ તાપમાન 36.5 ડીગ્રી નોંધાયુ છે. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા ઉપર પહોંચ્યુ છે. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 11.3 કિ.મી. નોંધાઇ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો